ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા અધ્યક્ષપદની ચૂંટણીમાં NDAના ઓમ બિરલા નિયુક્ત, ધ્વનિમતથી વિજેતા જાહેર

નવી દિલ્હી, 26 જૂન, 2024: લોકસભાના અધ્યક્ષપદની આજે યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી જૂથ NDAના ઓમ બિરલાનો વિજય થયો છે. ઓમ બિરલાને ધ્વનિમતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ઓમ બિરલા અધ્યક્ષપદે સતત બીજી વખત ચૂંટાયા છે. ઇતિહાસમાં આવું પાંચમી વખત બન્યું છે જ્યારે કોઈ સાંસદ સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષપદે બિરાજમાન થયા હોય.

18મી લોકસભાની રચના થઈ ત્યારથી ઈન્ડી એલાયન્સના પક્ષોએ સત્તાપક્ષ એનડીએને મોટાપાયે પડકારવાનું શરૂ કર્યું છે. સંસદીય લોકશાહીની પરંપરામાં લગભગ ચાર દાયકા પહેલાં લોકસભાના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી હંમેશાં સ્પીકર સર્વાનુમતે ચૂંટાતા હતા. જોકે, આ વખતે ઈન્ડી એલાયન્સે એનડીએ જૂથના ઉમેદવાર ઓમ બિરલાની સામે પોતાના ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કર્યું જેને કારણે આજે ચૂંટણી યોજાઈ હતી.

લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબની દેખરેખમાં અધ્યક્ષપદની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈન્ડી એલાયન્સના કે. સુરેશની ધ્વનિ મતમાં જ હાર થઈ હતી. જ્યારે શાસક જૂથ એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને ધ્વનિમતથી જીતી ગયા છે.

ઈન્ડી એલાયન્સે ગઈકાલે એવો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો કે, લોકસભાના નાયબ અધ્યક્ષ વિરોધપક્ષના હોય એવી સંસદીય પરંપરા છે. જોકે આ વાતમાં કોઈ તથ્ય નથી. આવી પરંપરા નથી, પરંતુ મહદઅંશે સર્વાનુમતે અધ્યક્ષપદ અને ઉપાધ્યક્ષપદ નક્કી થતા હોય છે. વાસ્તવમાં લોકસભામા ઉપાધ્યક્ષપદનો કોઈ સત્તાવાર હોદ્દો નથી, પરંતુ ઈન્ડી એલાયન્સે આ વખતે સંખ્યાબળને આધારે આ માગણી કરી હતી.

હકીકતે પ્રોટેમ સ્પીકરની વરણી બાબતે ઈન્ડી એલાયન્સે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષ ઈન્ડી એલાયન્સે એવો પણ પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો કે. સુરેશ આઠ વખતથી સાંસદ છે તેથી વરિષ્ઠતાના આધારે તેમને પ્રોટેમ સ્પીકર બનાવવા જોઈએ. પરંતુ વાસ્તવમાં નિયમ અનુસાર કે. સુરેશ સળંગ આઠ વખત ચૂંટાઈને સાંસદ બન્યા નથી. તેની સામે આ વખતે નિયુક્ત થયેલા ભર્તૃહરિ મહતાબ સતત સળંગ આઠ વખત ચૂંટાઈને સાંસદ બન્યા છે. તેથી બ્રિટિશ સંસદીય પરંપરા અનુસાર પણ શ્રી મહતાબ પ્રોટેમ અધ્યક્ષપદ માટે લાયક હતા.

પરંતુ આ મુદ્દે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડી એલાયન્સે આગ્રહ રાખીને અધ્યક્ષપદ સર્વાનુમતે નક્કી કરવાના બદલામાં ઉપાધ્યક્ષપદ વિપક્ષને આપવાની માગણી કરી હતી. જેનો એનડીએ દ્વારા સ્પષ્ટ સ્વીકાર કરવામાં ન આવતા કોંગ્રેસે કે. સુરેશને અધ્યક્ષપદ માટેની ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા.

Back to top button