શું લોકસભા ચૂંટણી પછી NCP કોંગ્રેસમાં ભળી જશે? શરદ પવારે આપ્યો મોટો સંકેત
નવી દિલ્હી, 08 મે 2024: શરદ પવારે લોકસભા ચૂંટણી 2024 પછીના રાજકીય ચિત્રને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણી બાદ અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની નજીક આવશે. આ સિવાય કેટલીક પાર્ટીઓ કોંગ્રેસમાં પણ ભળી શકે છે. વરિષ્ઠ વિપક્ષી નેતાઓમાંના એક શરદ પવારે કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં ઘણી પાર્ટીઓ કોંગ્રેસની નજીક આવશે. એટલું જ નહીં તેમાંથી કેટલાક કોંગ્રેસમાં ભળવાના વિકલ્પ પર પણ વિચાર કરી શકે છે, જો તેમને લાગશે કે આ તેમની પાર્ટી માટે સારું છે. મીડિયા સાથે વાતચીત કરતાં શરદ પવારે આ સાથે એક ઈશારો પણ આપ્યો હતો.
કોંગ્રેસ અને મારી પાર્ટીમાં કોઈ ફરક દેખાતો નથી: શરદ પવાર
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ તેમની પોતાની પાર્ટી NCP-શરદ ચંદ્ર પવાર પર પણ લાગુ પડે છે. આના પર પવારે કહ્યું, ‘મને કોંગ્રેસ અને મારી પાર્ટીમાં કોઈ ફરક દેખાતો નથી. વૈચારિક રીતે અમે ગાંધી અને નેહરુની રેખાને જ અનુસરીએ છીએ. તેમણે કહ્યું, ‘હું અત્યારે કંઈ નથી કહી રહ્યો. સાથીદારો સાથે વાત કર્યા વિના કોઈએ કશું બોલવું જોઈએ નહીં. વૈચારિક રીતે અમે કોંગ્રેસની નજીક છીએ. આગળની વ્યૂહરચના અથવા પગલાં અંગેનો કોઈપણ નિર્ણય સામૂહિક રીતે જ લેવામાં આવશે. નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરવું મુશ્કેલ છે.
શરદ પવારે આ વાત ખુલીને નથી કીધી, પરંતુ નિશ્ચિતપણે એવો સંકેત આપ્યો હતો કે તેમની પાર્ટી કોંગ્રેસમાં ભળી શકે છે. શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસથી અલગ થયા બાદ બનેલી ઘણી પાર્ટીઓનું નેતૃત્વ હવે તેમની બીજી પેઢીના હાથમાં છે. આ દરમિયાન શરદ પવારે સાથી પક્ષ ઉદ્ધવ સેના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરે સકારાત્મક નેતા છે. અમે તેમની વિચારવાની રીત સમજી ગયા છીએ. તે આપણા જેવા જ મંતવ્યો ધરાવે છે.
આ પણ વાંચો: કસાબના વખાણ કરવા હોય તો પાકિસ્તાન જાઓ: 26/11ની પીડિતાએ કોંગ્રેસની ઝાટકણી કાઢી