એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એનસીપી નેતાનાં પત્નીએ ડૉ. અબ્દુલ કલામ અને ઓસામા બિન લાદેનની સરખામણી કરી

Text To Speech

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2024: એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા જિતેન્દ્ર અહ્વાડનાં પત્નીએ ભારતના અવકાશ વિજ્ઞાની ડૉ. એપીજે અબ્દુલ કલામની સરખામણી કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેન સાથે કરતાં ભારે રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રની એક સ્કૂલમાં ભાષણ આપવા પહોંચેલાં એનસીપી નેતાનાં પત્નીએ સ્કૂલનાં બાળકોને કહ્યું કે, તમારે ઓસામા બિન લાદેનની જીવનકથા વાંચવી જોઇએ. એ પહેલેથી આતંકી નહોતો પણ પછીથી આતંકી બની ગયો.

શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર અવ્હાડનાં પત્ની ઋતા અવ્હાડના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધી ગઈ છે. ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જિતેન્દ્ર અવ્હાડનાં પત્ની જાહેર મંચ ઉપરથી બાળકોને આતંકી ઓસામા બિન લાદેનની જીવનકથા વાંચવા સલાહ આપે છે. ઈન્ડી ગઠબંધનના નેતાઓને આતંકીઓનો બચાવ કરવાની આદત છે તેમ પૂનાવાલાએ કહ્યું હતું.

શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જિતેન્દ્ર અવ્હાડ પણ અગાઉ ઇશરત જહાંનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી પાર્ટી નિયમિત રીતે યાકુબ મેમણ, અફઝલ અને કસાબના સમર્થનમાં નિવેદનો આપે છે તેમ ભાજપે જણાવ્યું હતું.

અન્ય એક પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધન તુષ્ટિકરણનું રાજકારણ રમે છે. ભંડારીએ જણાવ્યું કે, મતબેંકનું રાજકારણ રમવા માટે હવે મહા વિકાસ અઘાડીના નેતાઓએ તેમની પત્નીઓને મેદાનમાં ઉતારી છે અને તેમના મારફત નિવેદનો અપાવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, શું રાહુલ ગાંધી અને શરદ પવારને પણ એવું લાગે છે કે, બાળકોએ ઓસામા બિન લાદેનની જીવનકથા વાંચવી જોઇએ?

શું કહ્યું હતું ઋતા અવ્હાડે?

એક સ્કૂલના કાર્યક્રમમાં ભાષણ આપવા પહોંચેલાં ઋતા અવ્હાડે કહ્યું હતું કે, ઓસામા લાદેનની જીવનકથા વાંચો. જે રીતે એપીજે અબ્દુલ કલામ – ડૉ. કલામ બન્યા, એ જ રીતે ઓસામા બિન લાદેન આતંકવાદી બન્યો. કેમ બન્યો? એ જન્મથી આતંકવાદી નહોતો. તેને સમાજે આતંકી બનાવ્યો હશે, તેમ ઋતા અવ્હાડે કહ્યું હતું.

આ પણ વાંચોઃ અગ્નિવીરો માટે મોટા સમાચાર, હવે ક્ષેત્રમાં પણ મળશે નોકરી

Back to top button