ગુજરાતટોપ ન્યૂઝ

NCPની નેતા રેશમા પટેલે હાર્દિક પટેલના પક્ષ છોડ્વા મુદ્દે પ્રતિક્રિયા આપી; વાંચો શબ્દશઃ પત્ર

Text To Speech

અમદાવાદઃ હાર્દિક પટેલે બે દિવસ પહેલાં જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે હાર્દિક ટૂંક સમયમાં જ કેસરિયા કરશે તેવી ચર્ચા ચાલે છે. આ મુદ્દે રાજકીય માહોલ ગરમ છે ત્યારે પૂર્વ પાસ નેતા અને NCPની નેતા રેશમા પટેલે હાર્દિક પટેલને પત્ર લખ્યો છે. જે નીચે મુજબ છે.

હાર્દિક પટેલને રેશમાએ લખેલો પત્ર શબ્દશઃ
જય શ્રી રામ સાથે, હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ આ કારણથી મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માંગુ છું.

તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાતનું દુઃખ ખુબ જ થયું પણ વધારે દુઃખ એ છે કે તમે શ્રી સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિકભાઈ તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપના ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લા પાડ્યાં છે ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.

અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખુબ જ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણથી અમારા ઉપર ખુબજ પ્રહાર કર્યા હતા. આજે એ જ ભાજપ છે ભાઈ તો એ ભાજપના વખાણ કયા મોઢે કરો છો?

હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આંટો મારીને પાછા આવ્યા છીએ, અમને પણ 2017માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માંગણીઓ પુરી કરશું એવું કહીને ભાજપ પગ પકડીને આજીજી કરીને લઇ ગયું હતું પણ હજુ સુધી એ માંગણીઓ તો બાકી જ છે એનું શું કરીશું?? માંગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજુઆત કરેલી છે છતાં પણ આજ માંગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.

આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપનાં કડવા અનુભવ મે તમને જણાવ્યા છે, સાથે સાથે યાદ અપાવીશ કે સમાજની માંગણીઓને આજ પણ લટકાવીને રાખવાવાળી આ જ ભાજપે તમને જાતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું.

મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા.

તમારા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપ માટેની પ્રીત છલકાય રહી છે પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.

જય હિન્દ

ભારત માતા કી જય

વંદે માતરમ્

તમારી સંઘર્ષની સાથી બહેન

રેશ્મા પટેલના જય શ્રી રામ

Back to top button