ડ્રગ્સ કેસઃ ભારતી-હર્ષની વધી શકે છે મુશ્કેલી, NCBએ દાખલ કરી ચાર્જશીટ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલીવુડ સાથે જોડાયેલા ઘણા જાણીતા કલાકારોના નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યા હતા. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ પણ આમાં સામેલ હતા. હવે આ મામલામાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે NCB એ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે અને ટૂંક સમયમાં જ આ બંને સામે કોર્ટમાં કેસ શરૂ થશે. અત્રે જણાવી દઈએ કે હાલ બંને જામીન પર બહાર છે.
ઘરમાંથી શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી
21 નવેમ્બર 2020 ના રોજ, NCBએ ભારતી સિંહ અને તેના પતિની પ્રોડક્શન-હાઉસ ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા અને 86.5 ગ્રામ ગાંજો રિકવર કર્યો. જે બાદ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંનેને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. જો કે, 23 નવેમ્બરે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવ્યા બાદ દંપતીને જામીન આપવામાં આવ્યા હતા.
ત્યારપછી NCBએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફરિયાદને સાંભળ્યા વિના જ જામીન આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ મેજિસ્ટ્રેટના આદેશને “વિકૃત, ગેરકાયદેસર અને કાયદાની દૃષ્ટિએ ખરાબ” ગણાવ્યો હતો, જેને બાજુ પર મૂકી દેવા માટે જવાબદાર હતો.
અત્રે જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જે બાદ મનોરંજન ઉદ્યોગમાં પોતાના મૂળિયા મજબૂત કરનાર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં એનસીબીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરી હતી. આ સિવાય સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ક્રમમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષનું નામ પણ સામે આવ્યું હતું અને તેમના ઘર પર દરોડા દરમિયાન તેમના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.