‘નૂપુર શર્માની જીભ કાપનારને 1 કરોડ’, જાણો-કોણે કરી આ વિવાદાસ્પદ જાહેરાત?
નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગી છે. ભાજપ પક્ષે તેની સામે કાર્યવાહી પણ કરી છે, પરંતુ આ મામલો દિવસે-દિવસે વધુ વકરી રહ્યો છે.ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે નૂપુર શર્મા વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. તેણે નૂપુર શર્માની જીભ કાપી નાંખનારને 1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ભીમ આર્મી ચીફના આ નિવેદનને ખતરા તરીકે જોવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલીવાર નથી જ્યારે સતપાલ તવંરે આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ સતપાલ તવંત અનેક ફિલ્મી અને રાજકીય હસ્તીઓને ધમકી આપીને વિવાદ સર્જી ચૂક્યો છે અને હવે નૂપુરની જીભ કાપવાની વાત કરી છે. ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરે આરોપ લગાવ્યો કે નુપુર શર્માએ પયગંબરનું અપમાન કર્યું છે, જેનાથી કરોડો મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચી છે.
નુપુર શર્મા વિરુદ્ધ AIMIMનું વિરોધ પ્રદર્શન
તમને જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને નૂપુર શર્માના પક્ષમાં અને વિરોધમાં અલગ-અલગ નિવેદનબાજી અને પ્રદર્શન થઈ રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હીના જંતર-મંતર પર નૂપુર અને નવીન જિંદાલ સામે વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે હિંદુ મહાસભા લખનૌમાં નુપુર શર્માના સમર્થનમાં પગપાળા કૂચ કરશે.
શું હવે નૂપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? – ઓવૈસી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે નુપુર શર્માની ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે નુપુર શર્માએ માફી માંગી નથી, પરંતુ પોતાના નિવેદનમાં અંગ્રેજીમાં ‘If’ લખ્યું છે. તેણે ક્યાં માફી માંગી? અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ સરકાર બુલડોઝરની રાજનીતિ કરે છે. જ્યારે પણ કંઇક થાય છે ત્યારે બુલડોઝર ચાલુ થઇ જાય છે, તો શું હવે નુપુર શર્માના ઘર પર બુલડોઝર ચાલશે? તેમણે કહ્યું કે જ્યારે દેશના મુસ્લિમોની વાત આવે છે તો પીએમ મોદી તેમની વાત સાંભળતા નથી. પીએમ ભારતીય મુસ્લિમોની વેદનાને સમજી શકતા નથી. તેમણે ભાજપ પર દેશના મુસ્લિમોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે.