ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી દરમિયાન કાશ્મીરમાં આતંકી હુમલાએ વધાર્યું PM મોદીનું ટેન્શન? જાણો કેમ

જમ્મુ કાશ્મીર, 6 મે : દેશભરમાં હાલમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન ત્રીજા તબક્કાના મતદાન પહેલા જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લામાં ગત શનિવારે સાંજે આતંકીઓએ પુલવામા સ્ટાઈલમાં એરફોર્સના કાફલા પર મોટો આતંકી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને 4 જવાન ઘાયલ થયા હતા. બીજી તરફ, લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આ આતંકવાદી હુમલાના કારણે દેશમાં રાજકીય તાપમાનમાં એકાએક ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની ચૂંટણી રેલીઓમાં, પીએમ મોદી અને ભાજપના દિગ્ગજ નેતાઓ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પુનઃસ્થાપિત શાંતિની વાત કરી રહ્યા છે.  એવામાં આ હુમલાથી વિરોધ પક્ષો ભાજપની ટીકા કરી રહ્યા છે.  જો કે, પીએમ નરેન્દ્ર મોદી રાજૌરી-પૂંછ સેક્ટરમાં થઈ રહેલી આતંકવાદી ઘટનાથી ચિંતિત છે. અને તેમણે સેનાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ વિરોધ પક્ષોએ તેને રાજકીય મુદ્દો બનાવવાનું શરૂ કરી દીધું છે. આ મુદ્દો પીએમ મોદી અને ભાજપના અન્ય મોટા નેતાઓ માટે મોટો પડકાર બની શકે છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીએ આ હુમલાને ‘રાજકીય સ્ટંટ’ ગણાવ્યું

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ હુમલાને ‘રાજકીય સ્ટંટ’ ગણાવતા કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવા સ્ટંટ રમવામાં આવે છે અને ભાજપ માટે ચૂંટણી જીતવાનો રસ્તો તૈયાર કરવામાં આવે છે. લોકોને મારીને તેમની લાશો પર રમવું ભાજપનું કામ છે. ચન્ની દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસની આ માનસિકતાથી વધુ ખરાબ શું હોઈ શકે કે પોતાના જ સૈનિકોને સશક્ત બનાવવાને બદલે તેમને હથિયાર આપવાને બદલે બુલેટ પ્રુફ જેકેટ આપવાને બદલે આ લોકો 10 વર્ષ સુધી કમિશન લેતા રહ્યા. બીજી તરફ મોદી સરકાર છે જેણે હંમેશા દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. પુલવામા પછી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પણ કરી હતી.

‘ભાજપે ઉગ્રવાદની કમર તોડવાનો દાવો કર્યો, પણ…’

નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા એ રવિવારે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાને સુરક્ષાની નિષ્ફળતા તરીકે જોતા નથી કારણ કે આ ક્ષેત્રમાં આતંકવાદ હજુ પણ જીવંત છે. પૂંછ, અનંતનાગ-રાજૌરી સંસદીય મતવિસ્તારનો એક ભાગ છે, જ્યાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. અબ્દુલ્લાએ કહ્યું, ‘હું તેને સુરક્ષા નિષ્ફળતા નહીં કહીશ. આ ઘટના આ સ્થળની વાસ્તવિકતા છે. ભાજપે આતંકવાદની કમર તોડી નાખી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અમે વારંવાર કહ્યું છે, પરતું તેઓ સત્ય સ્વીકારવા તૈયાર નથી અને સત્ય એ છે કે કમનસીબે જે વિસ્તારો આતંકવાદ મુક્ત હતા, ત્યાં ફરી આતંકવાદ જોવા મળી રહ્યો છે.’

આતંકવાદી હુમલા પર કોંગ્રેસનો મોટો દાવો

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘અમે આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને સખત અને સ્પષ્ટપણે વખોડીએ છીએ અને આતંકવાદ સામે રાષ્ટ્ર સાથે એકજૂથ છીએ. તેમણે કહ્યું હતું કે, સુરનકોટ આતંકવાદી હુમલો સુરક્ષાકર્મીઓ સામે આતંકવાદી હુમલાના ચિંતાજનક વલણનો એક ભાગ છે, ખાસ કરીને નિયંત્રણ રેખા સાથેના પર્વતીય રાજૌરી-પૂંછ વિસ્તારોમાં. ‘આ ગંભીર ચિંતાનો વિષય છે કે 1 જાન્યુઆરી, 2023થી રાજૌરી-પૂંછ વિસ્તારમાં અમારા 25 બહાદુર સુરક્ષાકર્મીઓ અને આઠ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેનાથી વિપરીત, 2007 અને 2014 વચ્ચે આ ક્ષેત્રમાં આતંકવાદની કોઈ મોટી ઘટનાઓ નથી. રમેશે કહ્યું કે 4 જૂન પછી, ‘ભારત’ ગઠબંધનમાં કોંગ્રેસ અને તેના સહયોગી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ગ્રીડને મજબૂત બનાવશે આમ કરવામાં કોઈ કસર બાકી નહિ રાખે.’

‘ભાજપ સરકારના દાવાનો પર્દાફાશ થયો…’

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપ સરકારનો દાવો છે કે કલમ 370 આતંકવાદ માટે જવાબદાર છે. તેમણે તેમના વલણનો પુનરોચ્ચાર કર્યો કે માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત જ આ ક્ષેત્રમાં આતંકવાદના ખતરાનો અંત લાવી શકે છે. શનિવારે સાંજે પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં થયેલા હુમલામાં વાયુસેનાના પાંચ જવાન ઘાયલ થયા હતા અને તેમાંથી એકનું સૈન્ય હોસ્પિટલમાં બાદમાં મોત થયું હતું. અબ્દુલ્લાએ દાવો કર્યો કે, ‘આ વિસ્તાર ઘણા મહિનાઓથી અશાંત છે. રાજૌરી, સુરનકોટ અને અન્ય નજીકના વિસ્તારોમાં ઘટનાઓ બની છે.

તેમણે કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો સંબંધ છે, ભાજપ સરકાર દાવો કરે છે કે કલમ 370 તેના માટે જવાબદાર છે, પરંતુ 5 ઓગસ્ટ, 2019 ના રોજ તેને નાબૂદ કર્યા પછી પણ આતંકવાદ હજુ પણ યથાવત છે. તેમણે કહ્યું, ‘હું માનું છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું શીત યુદ્ધ આ માટે જવાબદાર છે. જ્યાં સુધી બંને દેશ વાતચીતની પ્રક્રિયા શરૂ નહીં કરે અને આ મુદ્દાનો ઉકેલ નહીં શોધે ત્યાં સુધી આ અટકશે નહીં.

ભારત ગઠબંધન પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છેઃ શહેઝાદ પૂનાવાલા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એરફોર્સના વાહન પર થયેલા હુમલાને લઈને ભારતીય ગઠબંધનને આડે હાથ લીધું હતું અને કહ્યું હતું કે, ‘હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સમગ્ર ઇન્ડિયા ગઠબંધન પાકિસ્તાન સાથે છે. હવે આ લોકો મોદી સામે આવીને પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું કામ કરવા લાગ્યા છે. કોંગ્રેસના નેતાઓ કહે છે કે હેમંત કરકરેની હત્યા અજમલ કસાબ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ તેમને હિંદુઓએ માર્યા હતા અને ઉજ્જવલ નિકમ તેમને બચાવી રહ્યા હતા અને હવે પૂંછ હુમલો, જેના પર આખો દેશ શોકાતુર છે, તેના પર પણ આ લોકો રાજકારણ કરી રહયા છે. ચન્નીજી કહે છે, આ સ્ટંટીંગ છે. તેજ પ્રતાપ યાદવ કહે છે આ શહીદો કોણે કરાવ્યા? હવે આ લોકો વોટ ખાતર પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસના લોકો થોડા મતો માટે દેશની સેનાનું મનોબળ તોડી રહ્યા છે. કોંગ્રેસ અનેક આતંકવાદી સંગઠનોના બચાવમાં ઉતરી છે. ક્યારેક તે પીએફઆઈના બચાવમાં આવી તો ક્યારેક સિમીના બચાવમાં.

આ પણ વાંચો : પ્રજ્વલ રેવન્નાનો સેક્સ વીડિયો ઘરે-ઘરે પહોંચ્યો, પીડિત મહિલાઓની વધી મુસીબત

Back to top button