નૌસેના દિવસ : કેમ આજે જ ઉજવવામાં આવે છે ભારતમાં આ દિવસ

ભારતીય નૌકાદળ વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળ છે. ભારતીય નૌકાદળ દેશની સુરક્ષા માટે દરેક સમયે સતર્ક રહે છે. ભારતીય નૌકાદળે તેની ક્ષમતાઓ સમયાંતરે ઘણી વિકસિત કરી છે. આ જ કારણ છે કે આપણી ભારતીય નૌકાદળ વિશ્વની સૌથી મોટી નૌકાદળમાંની એક છે.
આ પણ વાંચો : ‘ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે..’, નેવી ચીફનું નિવેદન
ભારતીય નૌકાદળ પાસે માત્ર આધુનિક શસ્ત્રો અને યુદ્ધ જહાજો નથી, પરંતુ આપણા સૈનિકો પાસે પણ એવી જુસ્સો છે, જેને જોઈને કોઈ પણ દુશ્મન ભારત તરફ નજર ઊંચકતા પહેલા ઘણી વાર વિચારે છે. દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવીએ છીએ. આ દિવસ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પરની જીત સાથે સંબંધિત છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’માં નૌકાદળની સફળતાની યાદમાં 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે. નેવી ડે ભારતીય નૌકાદળના બહાદુરોની અદમ્ય હિંમતનું સન્માન કરે છે.
નેવી ડે 1971 ના યુદ્ધ સાથે સંબંધિત છે.
પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં, ભારતીય યુદ્ધ જહાજોએ કરાચી બંદર પર હુમલો કર્યો અને પશ્ચિમ કિનારે પાકિસ્તાની નૌકાદળની કરોડરજ્જુને નબળી બનાવી દીધી. પાકિસ્તાની સેનાએ 3 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય એરસ્પેસ અને બોર્ડર એરિયા પર હુમલો કર્યો હતો. આ હુમલાથી 1971નું યુદ્ધ શરૂ થયું હતું. ભારતીય વાયુસેના પાકિસ્તાનના હુમલાનો જવાબ આપી રહી હતી. આ દરમિયાન ભારતીય નેવીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ શરૂ કર્યું હતું. આ મિશન કરાચીમાં પાકિસ્તાન નેવીના હેડક્વાર્ટરને નિશાન બનાવીને શરૂ કરવામાં આવ્યું હતું. એક મિસાઈલ બોટ અને બે યુદ્ધ જહાજો ધરાવતા ભારતીય નૌકાદળે કરાચીના દરિયાકિનારે પાકિસ્તાની જહાજોના જૂથ પર હુમલો કર્યો. ભારતીય નૌકાદળના ત્રણ મિસાઈલ જહાજો આઈએનએસ નિપત, આઈએનએસ નિર્ઘાટ અને આઈએનએસ વીર એ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રથમ વખત એન્ટી શિપ મિસાઈલથી હુમલો
આ યુદ્ધમાં પ્રથમ વખત જહાજ પર એન્ટી શિપ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જહાજો નાશ પામ્યા હતા અને પાકિસ્તાનના લગભગ પાંચસો સૈનિકો માર્યા ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઈલ ટેન્કરો પણ ધ્વસ્ત થઈ ગયા હતા. કરાચી હાર્બર ફ્યુઅલ સ્ટોરેજના વિનાશને કારણે પાકિસ્તાન નેવીની કમર તૂટી ગઈ હતી. કરાચીના ઓઈલ ટેન્કરમાં લાગેલી જ્વાળાઓ 60 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. કરાચીના ઓઈલ ડેપોમાં લાગેલી આગ સાત દિવસ સુધી ઓલવાઈ શક્યા નહાતાં. ભારતીય નૌકાદળે કરાચી બંદરને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યું હતું. ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે.
યુદ્ધાભ્યાસ પર ભારતીય નૌકાદળનું ધ્યાન
તાજેતરના વર્ષોમાં, ભારતે હિંદ મહાસાગરની આસપાસના ઘણા દેશો સાથે નૌકા યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો. આમાં માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, ઈન્ડોનેશિયા, મ્યાનમાર અને બાંગ્લાદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીનની શક્તિ ઘટાડવાના હેતુથી અમેરિકા અને જાપાને પણ આ કામમાં ભારતની મદદ કરી હતી. પ્રાદેશિક સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળે ભાગીદાર દેશો સાથે અનેક દરિયાઈ અભ્યાસમાં ભાગ લીધો છે.
આ પણ વાંચો : ચૂંટણીના મતદાન પહેલાં આપના ઉમેદવાર પર હુમલો, વીડિયો પણ આવ્યો સામે
નેવીમાં પ્રથમ વખત મહિલાઓની ભરતી
ભારતીય નૌકાદળ હજુ પણ નીચલા સ્તરે જવાનોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે 3 ડિસેમ્બરે માહિતી આપી હતી કે લગભગ 3,000 અગ્નિવીરોને નેવીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાંથી 341 મહિલાઓ છે. પ્રથમ વખત મહિલાઓને નેવીમાં સામેલ કરવામાં આવી છે. આગામી વર્ષથી નેવીમાં મહિલા અધિકારીઓની પણ ભરતી કરવામાં આવશે.
ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે
ભારતીય નૌકાદળ આત્મનિર્ભર બનવાના માર્ગે છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું છે કે ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે. છેલ્લા સાત વર્ષમાં શરૂ કરાયેલા 29 જહાજો સ્વદેશી રીતે બનાવવામાં આવ્યા છે. આ સિવાય નિર્માણાધીન 40 જહાજોમાંથી 38 ભારતીય શિપયાર્ડમાં જ બનાવવામાં આવી રહ્યા છે. નેવીને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રોજેક્ટ 75 ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: ભાજપ અને આપ વચ્ચે આજે દિલ્હી MCD નો મહાજંગ, 1.45 કરોડ મતદારો કરશે નિર્ણય
ભારતીય નૌકાદળનો ઇતિહાસ
યુદ્ધ જહાજોની પ્રથમ ટુકડી 5 સપ્ટેમ્બર 1612ના રોજ ભારતમાં આવી હતી. તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દરિયાઈ દળ દ્વારા બોલાવવામાં આવ્યું હતું. 1668માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દરિયાઈ દળનું નામ બદલીને ‘બોમ્બે મરીન’ રાખવામાં આવ્યું. 1830 માં, બોમ્બે મરીનનું નામ બદલીને ‘હર મેજેસ્ટીઝ ઈન્ડિયન નેવી’ રાખવામાં આવ્યું. 1892માં તે ‘રોયલ ઈન્ડિયન મરીન’ તરીકે જાણીતી થઈ. આ સમય સુધીમાં 50 થી વધુ જહાજો તેમાં સામેલ હતા. સુબેદાર લેફ્ટનન્ટ ડીએન મુખર્જી ભારતીય તરીકે આ નૌકાદળમાં કમિશન કરાયેલા પ્રથમ વ્યક્તિ હતા. તેઓ 1928માં રોયલ ઈન્ડિયન મરીનમાં એન્જિનિયર ઓફિસર તરીકે જોડાયા હતા. રોયલ ઈન્ડિયન મરીનને 1934માં ‘રોયલ ઈન્ડિયન નેવી’ બનાવવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ ઈન્ડિયન નેવીમાં આઠ યુદ્ધ જહાજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધના અંત સુધીમાં, 117 યુદ્ધ જહાજો હતા. વાઈસ એડમિરલ આરડી કટારીએ 22 એપ્રિલ 1958ના રોજ પ્રથમ ભારતીય નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.