ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવસારી : ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ લાગતા ત્રણ જીવતા ભડથું થયા

  • કેમિકલના બેરલ ઉતારતી વખતે આગની ઘટના બની
  • ત્રણ શ્રમિકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા
  • ફાયર વિભાગનો આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ

નવસારી, 9 નવેમ્બર : નવસારી નજીકના ગણદેવીમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ભીષણ આગની ઘટનામાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની માહિતી મળી રહી છે. બનાવના પગલે ગણદેવી, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર વિભાગની ટીમોને બોલાવી લેવામાં આવી હતી અને આગ પર પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગણદેવીના દેવસર ગામની સીમમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આજે સવારે આગ લાગી હતી. જોત જોતામાં આગનું સ્વરૂપ ઉગ્ર થઈ જવાના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક શ્રમિકો ફસાઈ ગયા હતા. જેમાંથી ત્રણ મજૂરોના મોત થયાં છે. જ્યારે બે શ્રમિક હજુ પણ ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરવામાં આવતા હતા તે જ વખતે અચાનક ભડકો થયો હતો. જેમાં કેટલાક શ્રમિકો ફસાઇ ગયા હતા. જેઓ આગની ચપેટમાં આવતાં ત્રણ મજૂરો જીવતા ભડથું થયા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયો હતો અને ત્યાંથી લોકોને સુરક્ષિત દૂર ખસેડવાની કામગીરી કરી હતી.

દરમિયાન આ આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમોને બોલાવવામાં આવી હતી. આ અંગે DySP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં અમારો પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી તેમ જાણવા મળ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલું છે અને લગભગ આગ કાબૂમાં આવી ગઇ છે. અત્યારે ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્તો છે. જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી હોવાથી વલસાડ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે લોકોને લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કામગીરી ચાલું છે.

આ પણ જૂઓ :- બદલે બદલે સે નજર આતે હૈ ટ્રુડો, આખીર માજરા ક્યા હૈ? કેનેડિયન પીએમનો યુ-ટર્ન?

Back to top button