નવસારીઃ ભારે વરસાદ હોવાથી ઘરે ઓનલાઈન ફૂડ મંગાવનાર યુવતીને ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. યુવતીએ ખાદ્ય વસ્તુ આવતા કવર ખોલતાં એના ઉપર ઈયળ અને લીલા કલરની લીલ સાથે વાળનો ટુકડો નીકળ્યો હતો. આ યુવતીએ આ ખાદ્ય વસ્તુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ ઘટના નવસારી પંથકમાં ઓનલાઈન ખાદ્ય વસ્તુ મગાવનાર લોકો સામે લાલબત્તી સમાન છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો
નવસારીમાં રહેતી જાનવી પટેલે નવસારીની એક રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ખાદ્ય વસ્તુ મગાવી હતી. ખાદ્ય વસ્તુ આવતાં યુવતીએ બોક્સ ખોલતાં એમાં ઈયળ દેખાઈ હતી. આ યુવતીએ આ ફૂડ પેકેટનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
ઓનલાઈન ખાદ્ય વસ્તુ મંગાવવાનું ટાળોઃ જાનવી
આ મામલે ભોગ બનનાર જાનવી પટેલ જણાવે છે કે, હાલમાં વરસાદ હોવાથી એક રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ખાદ્ય વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. પાર્સલ ખોલીને જોતાં એમાં પાંવ વાસી હતા અને એકબાજુ લીલ જેવી ફૂગ અને વાળ તથા ઈયળ દેખાયાં હતા. આ બાબતે જે-તે રેસ્ટોરન્ટને જાણ પણ કરી હતી. ઓનલાઈન ખાદ્ય વસ્તુઓ મગાવવી જોઈએ નહીં.