ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવસારી: હાથમાં દૂષિત પાણીની બોટલ અને શરીર પર મચ્છરદાની, કોંગ્રેસ ઉમેદવાર પિયુષ ઢીમ્મરનો અનોખો વિરોધ

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે નામાંકનના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે (વોર્ડ નં. 6) એક અનોખી અને ધ્યાન ખેંચનારી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેઓ મચ્છરદાની ઓઢીને અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને પ્રાંત અધિકારી કચેરીએ નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા.

આ અનોખા પ્રદર્શન દ્વારા પિયુષ ઢીમ્મરે નવસારી શહેરમાં લાંબા સમયથી વકરી રહેલી બે મુખ્ય સમસ્યાઓ -ગંદા પાણીની સપ્લાય અને મચ્છરોના ઉપદ્રવ તરફ ધ્યાન દોર્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસન અને વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે નાગરિકો પાયાની સુવિધાઓથી વંચિત રહી રહ્યા છે. તેમણે કહ્યું, “નવસારી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને ગંદા પાણીની સમસ્યા ગંભીર સ્વરૂપ લઈ રહી છે. લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે, પરંતુ તંત્ર કંઈ કરતું નથી. 1286 કરોડના બજેટ છતાં પણ આ સમસ્યાઓનું સમાધાન નથી થયું.”

આ પ્રદર્શનથી આસપાસના વિસ્તારોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું. સામાન્ય રીતે ઉમેદવારો રેલી અને શક્તિ પ્રદર્શન સાથે નામાંકન ભરતા હોય છે, ત્યારે પિયુષ ઢીમ્મરે ગાંધીવાદી અને વ્યવહારુ અંદાજમાં સ્થાનિક પ્રશ્નોને ચૂંટણી મેદાનમાં લાવવાનો પ્રયાસ કર્યો છે.

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. કોંગ્રેસે આ વિરોધ દ્વારા ભાજપ વિરુદ્ધ વહીવટી નિષ્ફળતાનો આરોપ લગાવ્યો છે, જ્યારે સ્થાનિક લોકોમાં આ અનોખા વિરોધને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટનું એવું ગામ જ્યાં મચ્છરોએ માંડવા રોપતા અટકાવ્યા, જાણો સમગ્ર ઘટના

Back to top button