ગુજરાતટોપ ન્યૂઝ

નવસારી: બિલીમોરા અને આસપાસના 10 ગામોની 3500 એકર જમીનને સિંચાઈનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.250 કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ'નું ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું કે, 'આઝાદીના અમૃત્ત કાળમાં રાજ્ય સરકારે રાજ્યને અમૃત્તમય મીઠું પાણી પૂરૂં પાડવાનું લક્ષ્ય સેવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે'

Text To Speech

મુખ્યમંત્રીના હસ્તે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ફાટક નં.108 -109 ઉપર રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અનુદાનથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.55 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું. વાઘરેચ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આયોજિત વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે-ખેતરે પાણી પહોંચ્યું છે એમ જણાવી જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરીશું એવો મત વ્યક્ત કર્યો હતો.

Navsari: 3500 acres of land in Bilimora and 10 surrounding villages will get irrigation water

મુખ્યમંત્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત ગણદેવી તાલુકાના 10 ગામોને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કાવેરી નદીમાં 13 કિ.મી અને ખરેરા નદીમાં 5 કિ.મી. લંબાઈમાં 100 મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે તેમજ જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે. બિલીમોરા અને આસપાસના 10 ગામોની 3500 એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે એમ જણાવતા મુખ્યમંત્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટ જળસમૃદ્ધિની ગેરંટી આપતી યોજના બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. દક્ષિણ ગુજરાત જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમસ્યા સામે લડવા આ ટાઈડલ ડેમ આશીર્વાદરૂપ બનશે. મુખ્યમંત્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે, રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા કે મુશ્કેલી લોકોને ન રહે તે માટે જળ વ્યવસ્થાપનના ઉમદા પ્રયાસો સાથે રાજ્ય સરકાર સતત સજાગ છે તેની ભૂમિકા આપી હતી.દરિયાની ખારાશ અટકાવવાના પ્રયાસોની સાથોસાથ વિષમય રાસાયણિક કૃષિના સ્થાને ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને હરિયાળી બનાવવા પ્રેરક આહવાન કર્યું હતું.

Navsari: 3500 acres of land in Bilimora and 10 surrounding villages will get irrigation water

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું કે, ઓફિસમાં બેસીને કોઈ પણ વિકાસ યોજનાને આકાર આપવા કરતા સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી યોજનાઓને મૂર્તિમંત કરવાથી ગુણવત્તાયુક્ત પરિણામો મળે છે એવા નરેન્દ્રભાઈના વિઝનને અનુસરીને ગુજરાત સરકારે વાઘરેચની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ સાકાર થશે. જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે. સ્થાનિક જનતાની વર્ષો જૂની લાગણી અને માંગણીઓને વાચા આપી છે એમ જણાવી રાજ્યપાલએ ગુજરાત સરકારની વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.

આરોગ્ય, જળસંપત્તિ અને સિંચાઈ મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસામાં ભરતીના કારણે બિલીમોરા શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં ખારાશ આવતી અટકાવવાની આ સરકારે ચિંતા કરી છે. વાઘરેચ પરિયોજના માત્ર એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. જેનાથી 12 જેટલા ગામોને આવનારા સમયમાં પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે. આદિજાતિ વિસ્તારના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડનું પેકેજ બનાવાયું છે. આ બજેટમાં પાંચસો કરોડના ખર્ચે ચેકડેમ, વિયર બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું સુચારૂ  આયોજન કરાયું છે. આ અવસરે આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ અને વાઘરેચ ખાતે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કરી આ વિસ્તારની પ્રજાની માગણી પૂરી કરી છે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વાઘરેચના ડેમ માટેના સતત પ્રયત્નોના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજના આજે સાકાર થશે. આ ડેમ બનવાથી તેર કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. અહીંના કાંઠા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે અલગથી યોજના બનાવાશે.

 

Back to top button