સોમવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જ મંદિરોમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ખેલૈયાઓ ગરબે રમવા તલપાપડ થઈ રહ્યા છે. આ વર્ષે નવરાત્રિને લઈને કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તમામ આયોજકોએ એ નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે. નહીંતર તેનું લાઈસન્સ રદ્દ કરવામાં આવશે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70થી વધુ સ્થળે રાસ-ગરબાનું આયોજન કરાયું છે. જો કે રાસ ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે કેટલાક નિયમો કડક બનાવ્યા છે. આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે. તેમજ પાર્કિંગની જગ્યા રાસ ગરબાના સ્થળથી ઓછામાં ઓછું સો મીટર અંતર હોવું જરૂરી છે. તેમજ વાહન પાર્ક કરાવવા માટે આયોજકોએ સ્વયંસેવકો રાખવા પડશે.
જો કોઈ રાસ ગરબાના સ્થળની બહાર રોડ ઉપર ટ્રાફિક જામ કરવામાં આવશે તો પોલીસ દ્વારા તે રાસ ગરબાની મંજૂરી રદ કરવામાં આવશે. ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, આયોજકોએ ગરબાના સ્થળે પુરૂષ તેમજ મહિલા સિક્યુરિટી ગાર્ડ તેમજ ગરબાના સ્થળ, પાર્કિંગ એરિયા અને એન્ટ્રી – એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવા પડશે.શહેરના સિંધુ ભવન, એસજી હાઈવે, SP રિંગ રોડ ઉપર તેમજ જીએમડીસી ખાતે મોટા પાયે ગરબાનું આયોજન કરાયું છે. જેમાં સિંધુ ભવન તેમજ રિંગ રોડ ઉપર 30 કરતાં વધારે જગ્યાએ રાસ – ગરબા યોજાવાના છે. ત્યારે ટ્રાફિક જામ ન થાય અને લોકોને હાલાકી ન પડે તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમોનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે વાહન પાર્ક કર્યું હશે તો સતત ફરતી ક્રેન વાહન ટો કરી જશે.
તો સાથે સાથે આ પાવન પર્વ નવરાત્રિમાં દારૂ પીને રાસ-ગરબાના સ્થળે આવતા અથવા તો રોડ ઉપર ફરવા નીકળતા લોકોને પકડવા માટે પોલીસ 1 હજાર બ્રેથ એનેલાઈઝરથી સજ્જ રહેશે. રાસ-ગરબાના સ્થળે તેમજ જાહેર રોડ ઉપર ટ્રાફિક પોલીસના જવાનો તેમજ સ્થાનિક પોલીસના જવાનો દ્વારા લોકોનું ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : યા દેવી સર્વભૂતેષુ… : કાલથી આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રિ