Navratri 2023: નવલી નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા
- શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનું છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.
હિંદુ પંચાગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની નવરાત્રિ 15 ઓક્ટોબર, રવિવાર એટલે કે આજથી શરૂ થઇ ગઇ છે. શારદીય નવરાત્રિના પ્રારંભના દિવસે ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રનું નિર્માણ થવાનું છે. તે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે. જ્યોતિષીઓ તેને ખૂબ જ શુભ ગણાવી રહ્યા છે. શારદીય નવરાત્રિનો આરંભ આ વખતે બુધ્ધાદિત્ય યોગ, શશ યોગ અને ભદ્રા નામના રાજયોગમાં થઇ રહ્યો છે. આ વખતે નવરાત્રિ દરમિયાન સૂર્ય અને બુધનો સંયોગ થશે. 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં રહેશે, બુધ સ્વરાશિમાં હોઇને ભદ્ર યોગ રચશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવો સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે.
શારદીય નવરાત્રિ 2023નું કેલેન્ડર
15 ઓક્ટોબર , પહેલું નોરતું: મા શૈલપુત્રીની પૂજા
16 ઓક્ટોબર, બીજું નોરતું: મા બ્રહ્મચારિણીની પૂજા
17 ઓક્ટોબર, ત્રીજું નોરતું: મા ચંદ્રઘટાની પૂજા
18 ઓક્ટોબર, ચોથું નોરતું: મા કુષ્માંડાની પૂજા
19 ઓક્ટોબર, પાંચમું નોરતું: મા સ્કંદમાતાની પૂજા
20 ઓક્ટોબર, છઠ્ઠું નોરતું: મા કાત્યાયનીની ઉપાસના
21 ઓક્ટોબર, સાતમુ નોરતું: મા કાલરાત્રિની પૂજા
22 ઓક્ટોબર, આઠમું નોરતું: મા સિદ્ધિદાત્રીની પૂજા
23 ઓક્ટોબર, નવમું નોરતું: મા મહાગૌરીની પૂજા
આજે થશે મા શૈલપુત્રીની પૂજા
એવી માન્યતા છે કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પુજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. જાણો માતા શૈલપુત્રીની પૂજાનું શું છે મહત્ત્વ.
નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરુપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયની પુત્રી હોવાના કારણે તેમને આ નામથી બોલાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની વિધિ વિધાન પુર્વક પૂજા અને ઉપાસના કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે. માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્રો અતિશય પ્રિય હોય છે. તેથી આજ રોજ સફેદ રંગના વસ્ત્રો કે સફેદ ફુલો અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે સફેદ બરફી કે મીઠાઇનો ભોગ લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રી 2023 કળશ સ્થાપના મુહૂર્ત
નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના અથવા ઘટસ્થાપનથી નવદુર્ગા પૂજા અને નવરાત્રી ઉપવાસ શરૂ થાય છે. શારદીય નવરાત્રમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રિ 9 કે 10 દિવસની હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે અને અષ્ટમીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખે છે, જ્યારે ઉપવાસ 9 દિવસ સુધી પણ રાખવામાં આવે છે. શારદીય નવરાત્રિની દશમ તિથિએ વિજયાદશમી અને દશેરા ઉજવવામાં આવે છે. આ વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 11.24 કલાકથી શરૂ થઈ રહી છે અને આ તિથિ 15 ઓક્ટોબર રવિવારે બપોરે 12.32 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિને જોતાં શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થશે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.
આ પણ વાંચોઃ નવરાત્રિને લઈ પોલીસ કમિશનરની ગાઇડલાઇન