IPL-2024વિશેષસ્પોર્ટસ

નવજોત સિંહ સિદ્ધુએ ધોનીને યુગપુરુષ કહ્યો; જાણો કેમ?

Text To Speech

13 મે, મુંબઈ: ભારતમાં ક્રિકેટ પ્રત્યેનો અનહદ પ્રેમ અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે અઢળક આદર એ કોઈનાથી છુપાયેલા નથી. ભારતના સામાન્ય ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ધોની પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. આવામાં પૂર્વ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુએ ધોનીને યુગપુરુષ તરીકે નવાજ્યો છે.

IPL 2024ના ઓફીશીયલ બ્રોડકાસ્ટરે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં સિદ્ધુ ધોની વિશે વખાણ કરતો જોવા  મળે છે.

આ વિડીયોમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું છે, ‘જમાનો મજબૂત વ્યક્તિને નમે છે નબળા વ્યક્તિને નહીં. વિચાર બધું જ નક્કી કરે છે. વિચાર તમને દેવ અથવા તો દાનવ બનાવી દેતા હોય છે. દુનિયામાં થતો દરેક ચમત્કાર મનુષ્યના મનમાંથી જ ઉત્પન્ન થતો હોય છે. વિચારો તમારા કાર્ય માટે સહુથી વધુ જવાબદાર તત્વ છે.’

સિદ્ધુ આગળ કહે છે, ‘અને આ વ્યક્તિ તો (ધોની) એક સકારાત્મક વિચારની પરીક્ષા છે, હિમાલય પર્વત છે, એક  યુગપુરુષ છે. અને જ્યારે તે નિવૃત્ત થશે ત્યારે એક યુગનો અંત થશે. બહુ ઓછી પળ હોય છે જ્યારે માતાઓ મહાન વ્યક્તિઓને જન્મ આપતી હોય છે અને આ મહાન વ્યક્તિ અમુક સમય બાદ દેવતાનું રૂપ લઇ લે છે. દરેક સેકન્ડે તેનું કદ વધતું ચાલે છે અને વિશ્વ તેને એક સંસ્થા માનવા લાગે છે. પરંતુ, ધોની જેવી સંસ્થા આવનારી દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.’

ગઈકાલે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રાજસ્થાન રોયલ્સ સામે રમેલી મેચ ટીમ માટે કદાચ આ સિઝનની છેલ્લી મેચ બની શકે છે. જો સુપર કિંગ્સ પ્લેઓફ્સમાં ક્વોલીફાય થશે અને અમદાવાદમાં રમાનારી મેચ જીતશે તો તેને ફરીથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર ક્વોલિફાયર 2 અને કદાચ ફાઈનલ રમવાની તક મળશે.

ગઈકાલે હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીને તેનાં ચાહકો બેટિંગ કરતો જોઈ નહોતાં શક્યા તેનો રંજ જરૂર  હશે. ધોનીના આ સિઝનમાં અત્યંત મોડી બેટિંગ કરવા આવવાના નિર્ણય ઘણો મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ ધોનીના આ નિર્ણયની કડક શબ્દોમાં ટીકા પણ કરી છે. પરંતુ ધોનીને તેનાથી કોઈજ ફરક પડ્યો હોય તેવું લાગતું નથી.

Back to top button