રાષ્ટ્રીય મહિલા દિવસ : દેશમાં સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવન જીવતી મહિલાઓને સલામ
દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને કવિયત્રી સરોજિની નાયડુની જન્મજયંતિ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાયડુ દેશની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો : જાણો કેવી રીતે વાંસ અને માટીના ઘરેણાં બનાવી મહિલાઓએ પોતાનું અને પરિવારનું ભાગ્ય બદલ્યું
13 ફ્રબ્રુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે 8 માર્ચે પણ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ આ બન્ને દિવસોમાં અંતર છ. દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ, સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણારુપ છે. સરોજિની નાયડુ સ્વતંત્રતા ચળવળના રાજકીય કાર્યકર તેમજ કવિ પણ હતા. તેમને ભારત કોકિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દેશના પ્રથમ મહિલા ગવર્નર પણ હતા.
સરોજિની નાયડુ દેશના પ્રથમ મહિલા ગવર્નર હતા
બ્રિટિશ સરકાર સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને અન્ય કાર્યો માટે સરોજિની નાયડુની ખૂબ સક્રિય ભૂમિકા રહી છે. તેમના સન્માન માટે તેમની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદીની ચળવળ દરમિયાન ઘણી વખત સરાજિની જેલમાં પણ ગયેલા છે.
સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. આ પછી તેઓ દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળમાં જોડાયા અને ઘણી વખત જેલ પણ ગયા. 1925માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન સરોજિની નાયડુ લગભગ 21 મહિના જેલમાં રહ્યા હતા. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકેનું સન્માન મેળવનાર સરોજિની નાયડુ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ ન હતા, પરંતુ મહિલાઓના અધિકારો માટે પણ લડ્યા હતા.
સરોજિની નાયડુ વર્ષ 1914માં પહેલીવાર મહાત્મા ગાંધીને મળ્યા હતા અને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. તેણી શિક્ષણ દરમિયાન રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈ હતી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ સહિત તમામ મોટા નેતાઓ તેમની નેતૃત્વ ક્ષમતાને માનતા હતા અને તેમનો આદર કરતા હતા. વર્ષ 1925માં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભારતમાં પ્લેગ રોગચાળા દરમિયાન તેમના કાર્યો માટે 1928માં બ્રિટિશ સરકાર દ્વારા તેમને કૈસર-એ-હિંદથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 1932માં ભારતના પ્રતિનિધિ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા. 2 માર્ચ, 1949 ના રોજ લખનૌમાં તેમની ઓફિસમાં કામ કરતી વખતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. સરોજિની નાયડુએ હંમેશા મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો.
કેવી રીતે શરુ થઈ આ દિવસની શરુઆત
દેશની આઝાદી પછી 1947માં તેમને તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. 13 ફેબ્રુઆરી 2014થી તેઓના જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યુ. ઘણા વિષયો પર લખેલી સરોજિની નાયડુએ કવિતાઓ પણ લખેલી છે. સરોજિની નાયડુ એ લગભગ 12 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની શરુઆત કરી હતી. આ સાથે જ સરોજિની નાયડુ એક પ્રસિદ્ધ કવયિત્રી પણ હતા અને તેમણે રોમાંસ, દેશભક્તિ અને ટ્રેજેડી જેવા અનેક વિષયો પર કવિતાઓ લખી છે. તેમની કવિતાઓના સ્વાતંત્ર્યના અનેક નાયકોએ પણ વખાણ કર્યા. સરોજિની નાયડુની કવિતાઓ દેશમાં બહોળા પ્રમાણમાં વંચાય છે. ધ ગોલ્ડન થ્રેશોલ્ડ (1905) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો. આ ઉપરાંત ધ બર્ડ ઓફ ટાઈમ : સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ, ધ સેપ્ટેડ ફ્લુટ : સોંગ્સ ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ: કિતાબિસ્તાન ધ ઈન્ડિયન વીવર્સ વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે.
આ પણ વાંચો : મોંઘી વ્હિસ્કી પીવામાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, આ દેશને પાછળ છોડી દીધો
સરકારની મહિલાઓ માટે વિવિધ યોજનાઓ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની મહિલાઓના વિકાસ અને સશક્તિકરણ માટે એક સામાજિક ઝુંબેશની જે મશાલ પેટાવી હતી, તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વેગવાન બનાવી છે. સરકાર દ્વારા મહિલાઓની ક્ષમતાઓને પિછાણીને તેમને રાષ્ટ્રના વિકાસ અને સ્વાવલંબનનાં માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે મોકળાશ આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. સરકારની આ હકારાત્મક નીતિના કારણે તમામ વર્ગ, જાતિ અને સમાજની બહેનો માટે ઉત્કર્ષના અવસર સર્જાયા છે. મહિલાઓના આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક એમ સર્વે પાસાઓને સાંકળીને રાજય સરકારે વિકાસ સાધ્યો છે.
સરકારની અનેક મહિલાલક્ષી પહેલોના કારણે જ આજે રાજયની મહિલાઓ સ્વમાનભેર ઉન્નત મસ્તકે જીવન જીવી રહી છે. મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે, તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકારે વહાલી દીકરી યોજના, બેટી બચાવો,બેટી પઢાઓ, ભરતીમાં 33 ટકા આરક્ષણ, કન્યા કેળવણી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત, વિના મૂલ્યે શિક્ષણ અને અભયમ્ હેલ્પ લાઈન જેવી અનેક યોજનાઓ થકી મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર આયોજન કર્યું છે. મહિલા સુરક્ષા, ચિરંજીવી યોજના, મમતા દિવસ, કન્યા કેળવણી રથયાત્રા, નારી અદાલત, કિશોરીઓમાં કુપોષણમુક્તિ, મહિલા આયોગની રચના જેવા તબક્કાવાર પરિણામલક્ષી કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યા છે. આજે, બદલાતા ભારતમાં મહિલાઓની ભૂમિકા સતત વિસ્તરી રહી છે. રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વ્હાલી દીકરી યોજના હેઠળ રાજકોટમાં ૧૨,૯૭૦ દીકરીઓને મંજુરી હુકમો એનાયત કરવામાં આવેલાં છે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા” સ્ટાર્ટઅપ્સમાં 48% થી વધુ મહિલાઓની ભાગીદારી
અત્રે ઉલ્લેખનીય છે કે, “આત્મનિર્ભર ભારત અભિયાન” મહિલાઓની ક્ષમતાને દેશના વિકાસ સાથે જોડી રહ્યું છે. “સ્ટેન્ડ અપ ઇન્ડિયા” અને “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” જેવી યોજનાઓના માધ્યમથી નોંધાયેલા સ્ટાર્ટ અપ્સમાં આજે 48% થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે ગૌરવની વાત છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુંમર અને ડિસ્ટ્રિક્ટ લાઈવલી હુડના મેનેજર વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સખી મંડળના માધ્યમ થકી ગ્રામીણ મહિલાઓ અર્થોપાર્જનના માર્ગે આગળ વધી પરિવારનો આર્થિક આધાર બની છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ રાજકોટમાં 3270 મહિલા સ્વ-સહાય જૂથોની રચના કરાઇ છે. વર્ષ 2022-23માં 279 સ્વસહાય જૂથની રચના દ્વારા 2795 ગ્રામીણ મહિલાઓ સ્વસહાય જુથમાં જોડાઇ હતી, જે સૂચવે છે કે, ભારતની તાકાત સમા નાના સ્થાનિક ઉદ્યોગો કે એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોમાં પણ મહિલાઓની ભૂમિકા પુરુષો સમાન બની છે. પ્રાચીન કાળથી લઈને આજ સુધી નજર કરીએ તો દેશના નિર્માણમાં અને દેશના વિકાસમાં આપણા દેશની મહિલા શક્તિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે મહિલાઓ પુરુષ કરતાં પણ એક કદમ આગળ જોવા મળે છે. નારી શક્તિના ગૌરવ-સન્માનથી આવતીકાલનું ગુજરાત આગવું ગુજરાત બનશે.