પંજાબમાં હાહાકાર: અત્યાર સુધીમાં 43 લોકોના મોત, 1685 ગામડામાં પાણી ફરી વળ્યા

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2025: પંજાબમાં પૂરથી પ્રભાવિત લોકોને હજુ સુધી કોઈ રાહત મળી રહી નથી. તેનું કારણ એ છે કે રાજ્યના ત્રણેય બંધોનું પાણીનું સ્તર ભયના નિશાનની નજીક અથવા તેનાથી ઉપર પહોંચી ગયું છે.
પોંગ ડેમનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર
ગુરુવારે, પોંગ ડેમનું પાણીનું સ્તર ભયના નિશાનથી 14 ફૂટ ઉપર પહોંચી ગયું છે. તે જ સમયે, ભાખરા ડેમનું પાણીનું સ્તર પણ ભયના નિશાનથી માત્ર એક ફૂટ દૂર છે. ડેમની સલામતીને ધ્યાનમાં રાખીને, ભાખરાના પૂરના દરવાજા હવે સાત ફૂટથી 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આનાથી સતલજ નદીની આસપાસના જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે.
સતલજ બંધ નબળા પડ્યા
લુધિયાણામાં, સતલજ બંધ પાંચ જગ્યાએ નબળા પડી ગયા છે અને સસરાલી ગામમાં એક જગ્યાએ, સેનાની મદદથી, બંધથી 200 મીટર પાછળ એક કિલોમીટરના વિસ્તારમાં રિંગ બંધ ઝડપથી બનાવવામાં આવી રહ્યો છે. ભાખરા અને પોંગ બંધમાંથી સતત પાણી છોડવાને કારણે સતલજ અને બિયાસ નદીઓ પૂરની સ્થિતિમાં છે.
સતલજને કારણે રૂપનગર, લુધિયાણા અને જલંધરમાં પૂરનો ભય છે. તરનતારન જિલ્લામાં સ્થિત હરિકે પટ્ટન હેડવર્ક્સમાં બંને નદીઓના પાણી એકઠા થવાને કારણે બંધ તૂટવાનો ભય છે. અહીંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત ગામોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે
રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. 16,85 ગામો પૂરની ઝપેટમાં છે અને 3.84 લાખ લોકો પ્રભાવિત થયા છે. એટલું જ નહીં, 1.71 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે.
સેના, વાયુસેના, NDRF અને SDRFની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. દરમિયાન, મુખ્યમંત્રી ભગવંત માનએ પૂરગ્રસ્ત તમામ ગામોમાં એક અધિકારી તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પૂર સંબંધિત દરેક ફરિયાદ આ અધિકારી પાસે નોંધાવી શકાય છે.
ઘગ્ગરે પણ તબાહી મચાવવાનું શરૂ કર્યું
પટિયાલા, સંગરુર અને માનસા વિસ્તારમાંથી પસાર થતી ઘગ્ગર નદીએ પણ લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. પટિયાલાનો ઘનૌર વિસ્તાર પૂરની ઝપેટમાં આવી ગયો છે. ગુરુવારે અહીં પૂરમાં ફસાયેલા 16 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત માથે મોટી ઘાત આવી: 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ, આ વિસ્તાર માટે ભારે એલર્ટ જાહેર કર્યું










