‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’-૨૦૨૫/ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની હાજરીમાં યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2025 : ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે- ૨૦૨૫’નો દિવસ નવીન વિચારો, આઈડિયા અને સંકલ્પો સાથે દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજ્યમાં શરૂ કરવામાં આવેલ SSIP ૧.૦માં માત્ર સાયન્સ અને ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકતા હતા, પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીને વેગ આપતી SSIP ૨.૦ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વિદ્યાર્થીઓ તથા સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી- SSIP ૨.૦ અંતર્ગત ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ની રાજ્યવ્યાપી ઉજવણી શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈએ કહ્યું હતું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી-SSIP ૨.૦ અંતર્ગત વિધાર્થીઓને આપવામાં આવતી સહાય એ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ તેમના સપનાઓને ઉડાન આપવાનો એક પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે આયોજિત વિકસિત ભારત યંગલીડર્સ ડાયલોગ ૨૦૨૫ના સ્પર્ધકોને સંબોધતા કહ્યું હતું કે ભારતની યુવાશક્તિ દેશ માટે ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે. દેશના નવયુવાનો ભારતને ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૬ જાન્યુઆરીને ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ ભારતમાં નવોદિત અને નૂતન વિચારોથી ભરપુર વિધાર્થીઓ થકી વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
“દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ ગુજરાત”
ગાંધીનગર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP 2.0) અંતર્ગત શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા માન. શિક્ષણ મંત્રી શ્રી @kuberdindor અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “નેશનલ સ્ટાર્ટ-અપ ડે”ની ઉજવણી કરવામાં આવી. pic.twitter.com/eBqph9xe86
— Praful Pansheriya (@prafulpbjp) January 16, 2025
મંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પોતાની માટે નહીં, પરંતુ આપણે સૌ માટેના નવીન ભારતના નિર્માતા છે. નિષ્ફળતા ભયજનક નથી પરંતુ તે શીખવા માટેની એક તક છે. તેવી જ રીતે મંત્રીએ વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું હતું. શિક્ષકોના દ્રષ્ટિકોણથી જ વિધાર્થીઓને તેમની વિચાર શક્તિને પાંખ મળે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર શીખવતા નથી, પરંતુ તેમને પ્રશ્નોના ઉકેલો શોધવા અને પદ્ધતિશીલ થવા પ્રોત્સાહિત કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત- ૨૦૪૭’ના સ્વપ્નને ગુજરાત તમામ ક્ષેત્રે વિકસિત બની સાકાર કરશે. રાજ્યના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વસ્તરે પોતાનો યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP ૨.૦ના મુખ્ય હેતુઓમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન દ્વારા રાજ્યના યુવાધનનું તેમની સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા માટે સશક્તિકરણ કરવું જેથી તેઓ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodiજી ના માર્ગદર્શન તેમજ માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વમાં ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) દ્વારા પણ નાણાકીય વિતરણ કરાય છે. pic.twitter.com/9A61Cizwic
— Praful Pansheriya (@prafulpbjp) January 16, 2025
મંત્રીએ કહ્યું હતું કે, આજે ભારતની ૬૫ ટકાથી વધુ વસ્તી ગામડાઓમાં વસે છે. તેમજ બધા જ ગામોમાં ત્યાંની કોઈ લોકલ વસ્તુઓ પ્રખ્યાત હોય છે, એ પ્રખ્યાત વસ્તુઓ માર્કેટમાં વેચવાનો વિચાર આવવો એ જ સાચા અર્થમાં સ્ટાર્ટઅપની શરૂઆત છે, સાથોસાથ રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોએ ભણતરની સાથે સાથે ઉદ્યોગ-સાહસિક થવા માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનો પણ ખ્યાલ આપવો જોઈએ કારણ કે, આજના સમયમાં વિદ્યાર્થી સ્ટાર્ટઅપ દ્વારા સારી આજીવિકા મેળવી શકે છે.
મંત્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, આજના સમયમાં ગૌ-મૂત્ર આધારિત દવાઓ તેમજ અગરબત્તીનો બનાવવામાં આવી રહી છે. આજે ગુજરાતના કેટલાક ગામોમાં સ્ટાર્ટઅપની મદદથી પ્રાકૃતિક ખેતીની પ્રોડેકટનો યોગ્ય પેકિંગ કરીને માર્કેટમાં વેચી સારી આજીવિકા મેળવી રહ્યા છે. મંત્રીએ સ્ટાર્ટઅપના અનેક ઉદાહરણ આપી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવનારા સમયમાં સ્ટાર્ટઅપની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું, 12,500 થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી માન્યતા
સંકુલ ઓફ PMUના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એડવાઈઝર અંકિત ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપવાનું ઉમદા કાર્ય શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવા PMU દ્વારા ચાર જિલ્લાઓમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સાથે જ, PMU દ્વારા સ્ટાર્ટઅપ કરતા વિદ્યાર્થીઓની સતત મોનિટરીંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
આ પ્રસંગે મંત્રીઓના વરદ હસ્તે સ્ટાર્ટઅપ માટે ૧૧૦ જેટલા સાહસિક વિદ્યાર્થીઓ પૈકી ૧૦ને પ્રતિકાત્મક રૂપે પ્રતિ વિદ્યાર્થી રૂ. ૨૦,૦૦૦નો ચેક, ‘ઝીરો ટું વન’ પુસ્તક અને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, સ્કૂલ ઓફ કમિશનર હેઠળના PMU દ્વારા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ અંગે નવા વિચારો રજૂ કરી શકશે. સાથે જ, તેમના વિચારોનું રાજ્યકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવશે.
8 જાન્યુઆરી, 2025 સુધીમાં દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ-ડીપીઆઈઆઈટી દ્વારા 1.50 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાંથી 12,779 સ્ટાર્ટઅપ્સ ગુજરાતમાં નોંધાયેલા છે.
આ કાર્યક્રમમાં કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક મેહુલ વ્યાસે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના નિયામક પી.આર. રાણા, કમિશનર ઓફ સ્કૂલના સંયુક્ત નિયામક વાય. એસ. ચૌધરી, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજક્ટર ડાયરેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ, શિક્ષણ વિભાગના અધિકારી- કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
આ પણ વાંચો : કારમાં ચિક્કાર નશાની હાલતમાં મળ્યા પાદરાના નાયબ મામલતદારઃ જુઓ વીડિયો