રાષ્ટ્રીય રમત દિવસ: જાણો છેલ્લા ૫ વર્ષમાં રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ
- રાજ્યના યુવાનોએ કુલ ૩૫ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ૬૫૬ રાષ્ટ્રીય કક્ષાએ પદક મેળવ્યો
- DLSS યોજના અંતર્ગત યુવાનોને છેલ્લાં ૫ વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧૧ મેડલ જીત્યા
ગાંધીનગર, 29 ઓગસ્ટ, દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રમતગમત એક એવું માધ્યમ છે જે માનસિક તણાવથી સૌ કોઈને મુક્તિ આપે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ખેલકૂદ ખૂબ જ જરૂરી છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સૌ કોઈએ મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. જેના પરિણામે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને રમતગમત પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહન કરવા માટે રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ વિકસાવી રહ્યા છે.
ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૨-૨૭ લૉન્ચ કરી હતી, જેનો મુખ્ય ઉદેશ્ય રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. જેના પરિણામ રાજ્યમાં છેલ્લા ૫ વર્ષમાં સેન્ટર ઓફ એક્સીલેન્સ એકેડમી અંતર્ગત ૩૫ યુવાનોએ આંતરરાષ્ટ્રીય અને ૬૫૬ યુવાનોએ રાષ્ટ્રીય કક્ષાએ પદક જીત્યા છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૧ ગોલ્ડ, ૦૮ સિલ્વર, ૧૬ બ્રોન્ઝ મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૨ ગોલ્ડ, ૨૦૯ સિલ્વર અને ૨૫૫ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
શક્તિદૂત યોજના હેઠળ યુવાનોએ ૨૭૬ આંતરરાષ્ટ્રીય અને ૪૦૭ રાષ્ટ્રીય કક્ષાએ પદક મેળવ્યા
આ ઉપરાંત શક્તિદૂત યોજના હેઠળ છેલ્લાં ૫ વર્ષમાં રાજ્યના યુવાનોએ ૨૭૬ આંતરરાષ્ટ્રીય અને ૪૦૭ રાષ્ટ્રીય કક્ષાએ પદક મેળવ્યા છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૦૭ ગોલ્ડ, ૯૭ સિલ્વર, ૭૨ બ્રોન્ઝ મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૪ ગોલ્ડ, ૧૧૧ સિલ્વર અને ૧૦૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ લેવલ સ્કુલ (DLSS) યોજના અંતર્ગત છેલ્લાં ૫ વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧૧ મેડલ જીત્યા છે. જે અંતર્ગત ૬ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
રાજ્યના યુવાનોને વધુ પ્રોત્સાહિત કરવા વિવિધ યોજનાઓ
રાજ્યમાં રમતગમતના વાતાવરણને ઉત્તેજન મળે એ માટે રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં સેન્ટર ઑફ એક્સલન્સ, ખેલ પ્રતિભા પુરસ્કાર, શક્તિદૂત યોજના, ઇનસ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર- રેસિડેન્શિયલ એકેડમી તેમજ ખેલ મહાકુંભ વગેરેનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પ્રતિભાને વધુ આગળ વધારવા માટે રાજ્ય સરકાર તેમને યોજના મુજબ સ્પેશિયલ કોચિંગ, સ્પોર્ટ્સ કિટ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસનો ખર્ચ, પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર
રાજ્યના યુવાનોના કૌશલ્યને વધુ નિખારવા અને આ ક્ષેત્રે યુવાનોને વધુ આગળ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ હાલ રાજ્યના વિવિધ જિલ્લામાં યુવાનોને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે. સાથે જ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા યુવાનોને પણ તાલીમ આપી રહ્યા છે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાતમાં રમતગમતના વિકાસનું કેન્દ્ર બની રહી રહી છે અને ભારતને વિશ્વનું રમતગમતનું પાવરહાઉસ બનાવવામાં રાજ્યને યોગદાન આપવામાં મદદ કરી રહી છે. આ યુનિવર્સીટીમાં સ્પોર્ટ્સને લાગતી સુવિધાઓ જેમ ઓલમ્પિક કક્ષાના ટ્રેક, સ્વિમિંગ પુલ, ગ્રાઉન્ડ વગેરેથી સજ્જ છે. SGSUના માધ્યમથી અને ખેલ મહાકુંભ જેવી પ્રવર્તીઓ થકી રાજ્યના યુવાનોએ તેમનો નૈપુણ્ય અને કૌશલ્ય દેખાડ્યો છે અને સમગ્ર રાજ્ય એનો સાક્ષી બન્યો છે. ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન થઇ રહ્યું છે.
આ પણ વાંચો ..નેશનલ સ્પોર્ટ્સ ડેઃ ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને ₹352 કરોડ થયું