અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત સહિત દેશભરના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું રાષ્ટ્રપતિ મૂર્મૂના હસ્તે થશે સન્માન

  • રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા મહિલાઓના નેતૃત્વ હેઠળની પંચાયત છે

દિલ્હી, 8 ડિસેમ્બર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ 11મી ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. આ પ્રસંગે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી-2 ગામના પગી રાજેન્દ્રકુમાર કાળુભાઈને પણ એવોર્ડ એનાયત થશે. આ પુરસ્કાર મેળવનારાઓની યાદીમાં મહિલાઓની આગેવાની હેઠળની પંચાયતો ચમકી રહી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા મહિલાઓના નેતૃત્વ હેઠળની પંચાયત છે.

વિવિધ કેટેગરી હેઠળ 45 પારિતોષિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી

પંચાયતી રાજ મંત્રાલયે મૂલ્યાંકન વર્ષ 2022-2023 માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો પ્રાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પુરસ્કારો ઉત્કૃષ્ટતાના આધારચિહ્ન તરીકે કામ કરે છે, જે પાયાના સ્તરે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસને આગળ ધપાવવા માટે સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપે છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે આ સન્માન સમારંભ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે, જ્યાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ આ પુરસ્કાર વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.

ચાલુ વર્ષે વિવિધ કેટેગરી હેઠળ 45 પારિતોષિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે, જે પાયાના સ્તરે શાસન અને સામુદાયિક વિકાસમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓના વ્યાપક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. આ કેટેગરીમાં દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર, નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર, ગ્રામ ઊર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર, કાર્બન ન્યૂટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર, અને પંચાયત ક્ષમા નિર્માન સર્વોત્તમ સંસ્થાન પુરસ્કારનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો ગરીબી નિવારણ, સ્વાસ્થ્ય, બાળ કલ્યાણ, જળ પર્યાપ્તતા, સ્વચ્છતા, માળખાગત વિકાસ, સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ અને આબોહવાના ટકાઉપણા જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓને માન્યતા આપે છે.

1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં લીધો હતો ભાગ 

આ વર્ષે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 42 પંચાયતોમાંથી 42 ટકા પંચાયતો મહિલાઓની આગેવાની હેઠળની પંચાયતો છે. પસંદગી પ્રક્રિયામાં વિવિધ સ્તરેથી શરૂ કરીને રાષ્ટ્રીય સ્તર સુધીની 5 વિવિધ સમિતિઓ દ્વારા સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો (એલએસડીજી)નાં સ્થાનિકીકરણ સાથે સુસંગત વિવિધ વિષયોનાં ક્ષેત્રોમાં પંચાયતોની કામગીરીનું ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન સામેલ હતું. આ પ્રક્રિયા પારદર્શકતાને પ્રોત્સાહન આપવા અને પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)/ગ્રામીણ સ્થાનિક એકમો (આરએલબી)માં સ્પર્ધાત્મક જુસ્સાને પ્રોત્સાહન આપવાની મંત્રાલયની અતૂટ કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

આ જાહેરાત પંચાયતી રાજ સંસ્થાઓની પ્રશંસનીય સિદ્ધિઓની ઉજવણી માટેનો તખ્તો તૈયાર કરે છે. આ જાહેરાતમાં સ્થિતિસ્થાપક અને વાઇબ્રન્ટ ગ્રામીણ સમુદાયોને આકાર આપવામાં પંચાયતોની પરિવર્તનકારી ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ માન્યતા આ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અપવાદરૂપ કાર્યની સ્વીકૃતિ તરીકે કામ કરે છે એટલું જ નહીં, પરંતુ અન્ય પંચાયતોને તેમના પ્રદેશોમાં આ શ્રેષ્ઠ પદ્ધતિઓનું પુનરાવર્તન કરવા માટે પ્રેરિત કરવાનું પણ લક્ષ્ય ધરાવે છે.

આ પણ જૂઓ: કચ્છમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન

Back to top button