કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 11 લોકોના કરુણ મોત

Explosion At Firecracker Factory In Kaushambi: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના પિપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કાળજું કંપાવનારી ઘટનામાં 11 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 18 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અમિત પાલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈજાગ્રસ્તોને પ્રયાગરાજની SRN હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નિર્દોષ બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા
આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ પ્રિયંજલિ (5), પ્રવીણ સિંહ (13), જ્હાનવી (12), આદિત્ય (12), રવિ (8), જ્ઞાન સિંહ (40), આદિત્ય (8), અંજુ (32), વિક્રમ સરોજ (35), અંશ (6) અને નન્હા (4) તરીકે કરવામાં આવી છે. ઘટનાસ્થળે વહીવટીતંત્ર દ્વારા કાટમાળ ખસેડવાનું કામ ચાલુ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિસ્ફોટની તીવ્રતાથી ધ્રૂજી ઉઠ્યો વિસ્તાર
ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ફેક્ટરીની નજીક આવેલા 5 થી 6 ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. ઘટનાસ્થળ દિલ્હી-હાવડા રેલ્વે લાઇનની ખૂબ જ નજીક હોવાને કારણે સલામતીના કારણોસર રેલ્વે વ્યવહાર 1 કલાક માટે અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અજમેર સિયાલદાહ એક્સપ્રેસને મનોરી સ્ટેશન તરફ પાછી વાળવામાં આવી હતી, જ્યારે દિલ્હી-વારાણસી વંદે ભારત ટ્રેનને સૈયદ સરવા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
વાયુસેના, NDRF અને ફાયર બ્રિગેડનું મોટું ઓપરેશન
મનોરી પાવર હાઉસ અને એરફોર્સ સ્ટેશન નજીક બનેલી આ ઘટનાની જાણ થતાં જ કૌશામ્બીના જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક સત્યનારાયણ પ્રજાપત અને DIG અજય મિશ્રા ઘટનાસ્થળે દોડી ગયા હતા. મનોરી એરફોર્સ સ્ટેશન નજીક હોવાથી કૌશામ્બી અને પ્રયાગરાજથી વાયુસેના, NDRF, SDRF અને ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મૃતકોના પરિવારોને સહાયની જાહેરાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “કૌશામ્બીની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.” મુખ્યમંત્રીએ મૃતકોના આશ્રિતોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે તેમજ અધિકારીઓને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીની શાળામાં માનવતા શરમાઈ: 3 વર્ષના માસૂમને ખુરશી સાથે બાંધી કાનના પડદા ફાટી જાય તેવો માર માર્યો












