

સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં યોજાનારી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ આજથી શરૂ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. જણાવી દઈએ કે આજે ત્રણ બંધારણીય બેન્ચની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણી અને દલીલોને સામાન્ય જનતા હવે ઘરે બેઠા જોઈ શકશે. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
જીવંત પ્રસારણથી શું બદલાશે ?
વાસ્તવમાં આ પગલું સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે. અગાઉ 26 ઓગસ્ટે તત્કાલિન CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચની કાર્યવાહીનું વેબકાસ્ટ પોર્ટલ દ્વારા જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે એક ઔપચારિક કાર્યવાહી હતી, કારણ કે જસ્ટિસ રમના એ જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા હતા.
પહેલા પણ થઇ ચુક્યું છે લાઈવ બ્રોડકાસ્ટ
26 સપ્ટેમ્બર 2018ના રોજ 3 જજની સુપ્રીમ કોર્ટની બેન્ચે જાતીય અપરાધો અને વૈવાહિક વિવાદો સાથે સંકળાયેલા સંવેદનશીલ કેસ સિવાય સર્વોચ્ચ અદાલતમાં સુનાવણીના લાઇવ-સ્ટ્રીમિંગને મંજૂરી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાં લાઇવ-સ્ટ્રીમિંગ વ્યવહારમાં અપનાવવામાં આવ્યું નથી. પરંતુ કર્ણાટક, ગુજરાત, ઓડિશા સહિત ઘણી હાઈકોર્ટ તેમના સંબંધિત સત્તાવાર યુટ્યુબ પર સુનાવણીનું જીવંત પ્રસારણ કરી રહી છે.