આવતીકાલથી છત્તીસગઢના પાટનગર રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દેશભરમાંથી કોંગ્રેસના 15000થી વધુ નેતાઓ છત્તીસગઢ પહોંચવા લાગ્યા છે. છત્તીસગઢ સરકાર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તમામ નેતાઓના રોકાણ, મુસાફરી અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાયપુર પહોંચ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કાલે અને પ્રિયંકા ગાંધી 25 ફેબ્રુઆરીએ રાયપુર પહોંચશે.
ગાડીઓનો મોટો કાફલો ખડકાયો
કાલથી શરૂ થતાં અધિવેશનમાં હાજર રહેનાર 15000 સભ્યો માટે 1500થી વધુ વાહનોની વ્યવસ્થા કરાઈ રહી છે. નાગપુરથી 300 ઈનોવા, દિલ્હીથી 100 લક્ઝરી કાર, ઈન્દોર-નાગપુરથી લક્ઝરી બસ મંગાવાઈ છે. ત્રણ દિવસીય સંમેલન માટે એક ડઝન વોલ્વો સહિત કુલ 800 મોટી અને નાની બસો રાયપુર પહોંચી છે. ઉપરાંત 700 નાની ટ્રેનોનું બુકિંગ થયાના અહેવાલ છે, જેમાં 250 VIP માટે લક્ઝરી કારો પણ સામેલ છે. આ VIPઓની સુરક્ષા અને પાયલોટ-ફોલો તરીકે 600 સરકારી વાહનો તૈનાત હશે. રાજ્યની મોટાભાગની ટ્રાવેલ એજન્સીઓના તમામ વાહનો બુક થઈ ગયા છે.
વિશાળ એસી ડોમ તૈયાર કરાયું, 3000 સુરક્ષા જવાનો તૈનાત
વધુમાં જાણવા મળ્યા અનુસાર, સંમેલન સ્થળે તમામ ડોમમાં એર કંડિશનર તૈયાર કરાયા છે. તમામ ડોમમાં અલગ-અલગ એલઈડી સ્ક્રીન છે. તમામ વીઆઈપી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના ડોમમાં રહેશે. આ માટે એક મોટું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. સ્ટેજની આસપાસ 170થી વધુ એસી લગાવાયા છે. આ ઉપરાંત 3000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાશે. આઈજી તેનો હવાલો સંભાળશે. તેમના સહયોગ માટે 4 DIG અને દોઢ ડઝન SSPની ડ્યુટી લગાવવામાં આવી છે. સત્ર દરમિયાન સાદા યુનિફોર્મમાં સુરક્ષા જવાનો પણ તૈનાત રહેશે. ઉપરાંત VIP અને VVIPના આગમન માટેના રૂટ અલગ-અલગ રખાયા છે. તો ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા 400 જવાન તૈનાત રહેશે.
ત્રી-દિવસીય અધિવેશનમાં દરેક પ્રાંતની વાનગી પીરશાસે
આ ત્રણ દિવસીય કોંગ્રેસ અધિવેશનમાં 15000થી વધુ નેતાઓ ભાગ લેશે. કોલકાતા, દિલ્હી અને કેરળમાંથી રસોઈયાઓ તેમના માટે રસોઈ બનાવવા આવશે. કોન્ટિનેન્ટલ ફૂડની સાથે છત્તીસગઢની વાનગીઓ પણ VVI નેતાઓને પીરસાશે. ઉપરાંત અન્ય રાજ્યોના પરંપરાગત ભોજન પણ તૈયાર કરાશે. અધિવેશનમાં ભાગ લેનારા લગભગ 15000 સભ્યો અને ફરજ પરના 5000 લોકો માટે દરરોજ સવાર અને સાંજનું ભોજન ત્યાં તૈયાર કરાશે. રોજના લગભગ 15 ક્વિન્ટલ ચોખા અને એક લાખ રોટલી તૈયાર કરાશે.