નાસા ફરી માણસને ચંદ્ર પર ઉતારશે, ‘કેપસ્ટોન’ ઉપગ્રહ ચંદ્રની યાત્રા પર
પૃથ્વીની પરિક્રમા કરી રહેલા માઇક્રોવેવ ઓવનના કદ સમાન નાસાનો ઉપગ્રહ સોમવારે તેની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયો. હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ફરી ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને ઉતારવાની પોતાની યોજનાને આગળ વધારી છે.
‘કેપસ્ટોન’ ઉપગ્રહની યાત્રા પહેલાથી જ ઘણી રીતે અસામાન્ય રહી છે. આ સેટેલાઈટ છ દિવસ પહેલા ન્યુઝીલેન્ડના માહિયા પેનિન્સુલાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને રોકેટ લેબ કંપનીએ તેના નાના ઈલેક્ટ્રોન રોકેટથી લોન્ચ કર્યું હતું. આ સેટેલાઈટને ચંદ્ર સુધી પહોંચતા હજુ ચાર મહિના લાગશે. આ ઉપગ્રહ લઘુત્તમ ઉર્જાનો ઉપયોગ કરીને એકલા ચંદ્ર તરફ આગળ વધી રહ્યો છે.
રોકેટ લેબના સ્થાપક પીટર બેકે કહ્યું કે, તેઓ તેમના ઉત્સાહને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. અમે આ પ્રોજેક્ટ પાછળ અઢી વર્ષ વિતાવ્યા. તેનો અમલ ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે પ્રમાણમાં ઓછા ખર્ચે આ પ્રયાસ અવકાશ મિશનની દિશામાં નવા યુગની શરૂઆત કરશે. નાસાએ આના પર 327 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
બેકે કહ્યું કે, હવે થોડા મિલિયન ડોલરમાં તમારી પાસે રોકેટ અને અવકાશયાન હશે. જે તમને સીધા ચંદ્ર, એસ્ટરોઇડ, શુક્ર અને મંગળ પર લઈ જશે. જો વધુ મિશન સફળ થાય તો કેપસ્ટોન ઉપગ્રહ મહિનાઓ સુધી મહત્વપૂર્ણ માહિતી મોકલવાનું ચાલુ રાખશે. નાસા ભ્રમણકક્ષાના માર્ગમાં ‘ગેટવે’ નામનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે. જ્યાંથી અવકાશયાત્રીઓ તેના ‘આર્ટેમિસ’ કાર્યક્રમના ભાગરૂપે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરી શકશે. નવી ભ્રમણકક્ષાનું મહત્વ એ છે કે તે ઇંધણનો ઉપયોગ ઘટાડે છે. આ સિવાય તે સેટેલાઈટ કે સ્પેસ સ્ટેશનને સતત પૃથ્વીના સંપર્કમાં રાખે છે.