નર્મદાના નીર બનાસકાંઠા પહોંચ્યા, થરાદ-સીપુ પાઇપલાઇનથી 39 ગામના તળાવો ભરાશે
પાલનપુર, 8 માર્ચ 2024, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે નર્મદાના નીર આજે થરાદ તાલુકાના તળાવોમાં છોડાતાં ગામેગામ નવા નીરના વધામણાં કરી ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે ગામ તળાવોમાં નર્મદાનું પાણી પોંહચતા તેના વધામણાં કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી.
થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના
રાજ્ય સરકાર દ્વારા થરાદ-સીપુ પાઇપલાઇનમાં 551.40 કરોડના ખર્ચે જિલ્લાના 39 ગામના 106 તળાવો તથા જળાશયના જોડાણ થકી કુલ 12481 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ/પરોક્ષ રીતે સિંચાઇના લાભ હેઠળ આવરવાનું આયોજન છે. આ મુખ્ય પાઈપલાઈનની બંન્ને બાજુમાં આવતાં ગામોના તળાવો લિંક પાઈપ નાખીને ભરવામાં આવશે. જેનાથી થરાદ તાલુકાના 15 ગામનાં 47 તળાવો, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવો, ડીસા તાલુકાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા તાલુકાના 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે.
બનાસકાંઠામાં ઉનાળામાં થતી પાણીની તકલીફ દૂર થઈ
સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે જે મુશ્કેલી આજે સરકારની યોજનાથી દૂર થઇ છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદી વિસ્તારના તળાવોમાં આવતા લોકોમાં ખુશી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઇ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતાં સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઇ છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : પાલનપુર ખાતે રૂ. 460.43 લાખના ખર્ચે અદ્યતન નવિન એસ.ટી. ડેપો – વર્કશોપનું થશે નિર્માણ