મધ્ય ગુજરાત

અમદાવાદના તળાવોમાં છલકાયા નર્મદાના નીર

Text To Speech

નર્મદાના નીરથી હવે અમદાવાદના તળાવો પણ છલકાયા છે. નર્મદા નદીમાં પાણીની આવક વધતા અમદાવાદના 6 તળાવમાં નીર ઠાલવવામાં આવ્યા છે. ઈન્ટરલિન્કિંગ કરીને ત્રાગડ, છારોડી, જગતપુર, ગોતા, આર.સી. ટેક્નીકલ એમ 6 જેટલા તળાવો ભરવામાં આવ્યા છે. આ માટે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે છ કિલોમીટર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. શહેરના અન્ય 17 તળાવો પણ આ ઈન્ટરલિન્કિંગથી ભરાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

દર વર્ષે ચોમાસામાં અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઇ જાય છે, તો બીજી તરફ શહેરના જ તળાવ ચોમાસામાં પણ ખાલી ખમ જોવા મળે છે. જો કે હવે તળાવોને નર્મદાના પાણીથી ભરીને જમીનમાં પાણીના તળ ઊંચા લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં શહેરના તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે પ્રકારનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad-Lakes

અમદાવાદના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષના નેતા દંડક અને વોટર કમિટીના ચેરમેન દ્વારા જાસપુર ખાતે નર્મદા કેનાલ માંથી લેવાતા પાણીના સ્થળની મુલાકાત કરવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદાના પાણીથી ભરાયેલ તળાવની પણ સ્થળ પર જઈને નિરીક્ષણ કરાયું હતુ.

સરદાર સરોવર નર્મદા નિગમ જોડે થયેલા કરાર મુજબ સરદાર સરોવર ડેમ જયારે ઓવરફલો થાય અને વધારાનું પાણી છોડવામાં આવે છે, ત્યારે નર્મદા કેનાલમાંથી અત્રે તળાવો ભરવા માટે પાણી આપવામાં આવે છે. આ જ પ્રમાણે હાલમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતુ હોવાથી તળાવો ભરવા માટે પાણી લેવામાં આવી રહ્યુ છે. નર્મદા કેનાલનું પાણી ખોરજ તળાવમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા કેનાલમાં પાણીની આવક વધતા અમદાવાદના 6 તળાવમાં નર્મદાના નીર આવ્યા છે. નર્મદાના નીરથી ઇન્ટરલિન્કિંગ કરાયેલા 6 તળાવો ભરાયા છે. તો બીજી તરફ શહેરના અન્ય 17 તળાવમાં પણ નર્મદાનું પાણી ભરી શકાય તે માટે મથામણ ચાલુ છે.

Back to top button