અમદાવાદ, 03 જુલાઈ 2024, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,81,947 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
રાજ્યના પાંચ જળાશયો 80થી 90 ટકા છલકાતા એલર્ટ પર
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો 80થી 90 ટકા છલકાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-૨ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો 7૦ ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માં 41.59 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32.63 ટકા, કચ્છના 20માં 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 35.39 ટકા, કચ્છના 20માં 50.95 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો.
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 19.56 ટકા વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા 10.8 ઇંચ, મહેસાણામાં 3.92 ઇંચ અને બેચરાજીમાં 3.84 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 07 તાલુકાઓ એવા છે કે જેમાં 03 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ પણ વાંચોઃછેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ