ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર થઈ, આ 42 ગામો માટે એલર્ટ જાહેર

Text To Speech

નર્મદા, 14 સપ્ટેમ્બર, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયાને ત્રણ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમની સપાટી પહેલી વખત 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદોર સરોવરની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ઉપરવાસમાંથી લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 13મી સપ્ટેમ્બરની સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી.

રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા જળસ્તર જાળવી રાખવા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી 119 ડેમ તો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે. સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 124 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં સિઝનનો સરેરાશ 124 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 130 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 128 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 120 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 107 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 207 ડેમમાંથી 119 ડેમ તો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે. સરદાર સરોવર ડેમમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.

વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં પાનમસાલા ખાનારા ચેતજો, રૂ.4.99 કરોડનો નકલી જથ્થો ઝડપાયો

Back to top button