ટ્રેન્ડિંગનેશનલ

નરેન્દ્ર મોદીએ 33 વર્ષ પહેલાં આ જ સ્થળેથી શરૂ કરી હતી એકતાયાત્રા

તમિલનાડુ, 30 મે: લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ પહેલા ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા છે. કાર્યક્રમ અનુસાર પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. તેઓ 30 મેની સાંજથી 1 જૂન સુધી અહીં ધ્યાન મંડપમાં ધ્યાન કરશે. આ અંગે રાજકારણ ગરમાયું છે.

આ બધાની વચ્ચે પીએમ મોદીનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો 11 ડિસેમ્બર 1991નો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના કન્યાકુમારીથી ‘એકતાયાત્રા’ શરૂ કરી હતી. આ તસવીર મોદી આર્કાઇવ એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. આ એકતાયાત્રામાં નરેન્દ્ર મોદીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને તત્કાલિન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી પણ હતા.

 

સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપીને ‘એકતાયાત્રા’ની શરૂઆત કરવામાં આવી હતી

આ તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ફોટો શેર કરતા મોદી આર્કાઈવ નરેન્દ્ર મોદી, ડૉ. મુરલી મનોહર જોષી સહિત તમામ ‘એકતાયાત્રીઓ’એ અહીંથી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રદક્ષિણા કરીને અને તેમને શ્રદ્ધાંજલિ આપીને આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

યાત્રાના અંતિમ પડાવમાં લાલ ચોક ખાતે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો

ડિસેમ્બર 1991માં જ્યારે કન્યાકુમારીથી ‘એકતાયાત્રા’ શરૂ કરવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર હતા. એકતાયાત્રા દ્વારા ભારતને એક કરવા માટે તેઓ પ્રતીકાત્મક રીતે તમિલનાડુ અને અન્ય રાજ્યોમાંથી માટી લાવ્યા હતા. તેમની ઐતિહાસિક યાત્રા 26 જાન્યુઆરી 1992ના રોજ કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવવાની સાથે સમાપ્ત થઈ હતી. આ યાત્રા 45 દિવસમાં 14 રાજ્યોમાંથી પસાર થઈ હતી. આ યાત્રાના અંતિમ ચરણમાં નરેન્દ્ર મોદીએ કાશ્મીરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તે સમયે તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ લીધો હતો.

વિપક્ષે વિરોધ વ્યક્ત કર્યો

હવે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ પીએમ મોદીની કન્યાકુમારીની મુલાકાત અને વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં પીએમ મોદીના ધ્યાનના કાર્યક્રમ વચ્ચે, તમે આ 33 વર્ષ જૂની તસવીર સોશિયલ પર વાયરલ થઈ રહેલી જોઈ શકો છો. જો કે પીએમ મોદીના પ્રવાસના કાર્યક્રમની જાણકારી મળતા જ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે પોતાની રાજનીતિ તેજ કરી દીધી છે. કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચનો સંપર્ક પણ કર્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ધ્યાન કરવાના છે ત્યાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

Back to top button