નરેન્દ્ર મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ, નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ કરી પીએમ સાથે મુલાકાત
આગામી 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીના અવસર ઉપર ખોડલધામ ખાતે એક મોટા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ અને અન્ય બે ટ્રસ્ટીઓ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત માટે ગયા હતા. ત્યાં તેઓની એક શુભેચ્છા મુલાકાત થઈ હતી અને ટ્રસ્ટીઓએ વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે.
ખાસ ધ્વજા ચડાવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ 31મી ઓક્ટોબરે આવે તેવી પૂરી શક્યતા છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પણ જન્મ જયંતી છે, યોગાનુયોગ નરેન્દ્ર મોદી ખોડલધામ આવી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને ધ્વજા ચડાવે તેવો તખ્તો ઘડાય રહ્યો છે. કારણ કે, આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, બે ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ દિલ્હીના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ મુલાકાતમાં ખોડલધામના આમંત્રણને લઈને કોઈ ચર્ચા ન થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમજ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા અગાઉ વડાપ્રધાનને ખોડલધામ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે વડાપ્રધાન આ આમંત્રણને સ્વીકારે છે કે નહીં તે આવનારો સમય જ દેખાડશે.