લઘુમતી વિરોધી છાપ ધરાવતો ભાજપ કેમ અચાનક ઈદની ભેટ આપવા માગે છે? જાણો

HD ન્યુઝ ડેસ્ક : કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારે લઘુમતીઓને આકર્ષવા માટે ‘સૌગાત-એ-મોદી’ નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ, પાર્ટી કાર્યકરો દેશભરના મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી સમુદાયના લોકો વચ્ચે જશે અને તેમને ‘સૌગાત-એ-મોદી’ કીટ આપશે. આ કીટનું વિતરણ ઈદ, વૈશાખી અને ગુડ ફ્રાઈડે દરમિયાન કરવામાં આવશે. લઘુમતી વિરોધી છાપ ધરાવતી ભાજપ અચાનક જ કેમ લઘુમતીઓનું વિચારી રહી છે? તમને એવો સવાલ થતો હશે જો કે સૌગાત-એ-મોદીનું સૌથી મોટું ધ્યાન બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પર છે. માટે જ ભાજપ આ રીતે બિહારમાં, મુસ્લિમ મતદારો વચ્ચે જવાની અને તેમને ભેટ આપવાની યોજના બનાવી રહી છે. આ યોજના મંગળવારે દિલ્હીથી શરૂ કરવામાં આવી હતી.
‘સૌગાત-એ-મોદી’ નામ સાંભળીને થોડા સમય માટે એવું લાગશે કે આ યોજના ફક્ત મુસ્લિમો માટે જ છે, પરંતુ એવું નથી. આ કીટ મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી સમુદાયના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી રહી છે. આ યોજના પાછળ ભાજપ મુસ્લિમો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે ભાજપની યોજના છે કે 32 હજાર પાર્ટીના અધિકારીઓ 32 હજાર મસ્જિદોમાં 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
સૌગાત-એ-મોદી કીટમાં શું-શું છે?
ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત, સૌગાત-એ-મોદી કીટમાં કપડાં, સેવૈયા, ખજૂર, સૂકા ફળો અને ખાંડ પણ છે. મહિલાઓના કીટમાં સૂટ મટિરિયલ છે. પુરુષોના કીટમાં કુર્તા-પાયજામાનો સમાવેશ થાય છે. દરેક કીટની કિંમત આશરે 500 થી 600 રૂપિયા હોવાનું કહેવાય છે.
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 140 કરોડ ભારતીયોના વડા પ્રધાન છે, તહેવારોનો સમય છે, ઈદ આવી રહી છે, રમઝાન ચાલી રહ્યો છે. અમારા કાર્યકરો જઈને કીટનું વિતરણ કરશે. કીટમાં ખાદ્ય પદાર્થો, ઘરની મહિલા વડા માટે સૂટ સામગ્રી હશે. કીટમાં તહેવારને લગતી દરેક વસ્તુ, સેવૈયા, ચણાનો લોટ, સૂકા ફળો, દૂધ, ખાંડ હશે.”
તેમણે વધુમાં કહ્યું કે અમે લઘુમતી સમુદાયના લોકો સુધી પહોંચીશું અને મોદી કીટનું વિતરણ કરવામાં આવશે. આ કીટ દેશભરમાં વહેંચવામાં આવશે. આ કીટનું વિતરણ 32 હજાર અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, 1 અધિકારી 100 પરિવારોમાં કીટનું વિતરણ કરશે.
ઈદ મિલન સમારોહ
જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે રમઝાનના પવિત્ર મહિના અને ઈદ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર નવરોઝ અને ભારતીય સંવત નવા વર્ષના આગામી તહેવારોની ઉજવણીમાં, લઘુમતી મોરચો એક અભિયાન દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચશે. આ સાથે, જિલ્લા સ્તરે પણ ઈદ મિલનની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : Video: હરિયાણામાં ગુજરાત પોલીસને અકસ્માત નડ્યો, ત્રણ કર્મચારીના સ્થળ પર મૃત્યુ થયા