ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુવાનોએ અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવું જોઇએ? નારાયણ મૂર્તિના નિવેદનથી દેશમાં છેડાઈ ચર્ચા

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશના યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. તેમાં વધારો કરવાની જરૂર છે. મૂર્તિએ આ વાત પોડકાસ્ટ ‘ધ રેકોર્ડ’ માટે ઈન્ફોસિસના પૂર્વ સીએફઓ મોહનદાસ પાઈ સાથે વાત કરતી વખતે કહી હતી. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે દેશના યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ જે રીતે જાપાન અને જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ પછી કર્યું હતું.

નારાયણ મૂર્તિના મતે શિસ્ત લાવીને આપણું કાર્ય ઉત્પાદન સુધારવાની જરૂર છે. યુવાનોએ પોતાની અંદર બદલાવ લાવવો પડશે. તેમણે કહ્યું કે ભારતમાં યુવાનોની વસ્તી ઘણી વધારે છે. યુવાનોએ ભારત માટે પોતાની જવાબદારીઓ નિભાવવાની છે. જોકે, તેમના આ નિવદેનથી ઈન્ટરનેટ પર ચર્ચા ચાલી રહી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી

NR નારાયણ મૂર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. એક યુઝરે લખ્યું કે હું આ સાથે સંમત છું. અન્ય એક યુઝરે લખ્યું કે તે અઠવાડિયામાં 70 કલાક કામ કરવા સાથે સંપૂર્ણપણે અસંમત છે. લખ્યું કે 70 કલાકના કામકાજના સપ્તાહના હિસાબે આપણે સર્વશ્રેષ્ઠ દેશ બનીશું, પણ કઈ કિંમતે? તે વ્યક્તિ અઠવાડિયામાં 70 કલાક કામ કર્યા પછી શું પ્રાપ્ત કરશે? સારું સ્વાસ્થ્ય? સરસ કુટુંબ? સારા સાથી? સુખ? વ્યક્તિ શું પ્રાપ્ત કરશે? આમ, લોકો એકબીજાને ટાંકીને નિવેદનો આપી રહ્યા છે.

ભારતમાં કામ કરવા માટેના કલાકો નક્કી

ફેક્ટરી એક્ટ 1948 મુજબ, દરેક પુખ્ત વ્યક્તિ અઠવાડિયામાં 48 કલાક અને દિવસમાં 9 કલાકથી વધુ કામ કરી શકતા નથી. આ કાયદાની કલમ 51, 54 થી 56 અને 59 માં કામના કલાકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 59 મુજબ, જો કોઈ કર્મચારી દરરોજ 9 કલાકથી વધુ અથવા અઠવાડિયામાં 48 કલાક કામ કરે છે, તો તેને ઓવરટાઇમ આપવામાં આવશે અને આ ઓવરટાઇમ રકમ સામાન્ય પગારના બમણા દરે લાગુ થશે.

આ પણ વાંચો: બેંકો માટે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની દરખાસ્ત, શનિવારે પણ રજા રહેશે

Back to top button