ICC ક્રિકેટર ઓફ ધ યરમાં બે ભારતીય સહિત ચાર ખેલાડીના નામ જાહેર
- ICCએ ક્રિકેટ ઓફ ધ યરના ખિતાબ માટે કુલ ચાર ખેલાડીઓના નામ જાહેર
- આ યાદીમાં ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ
મુંબઈ, 05 જાન્યુઆરી: ક્રિકેટની દુનિયામાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને દર વર્ષે ICC દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓને વિવિધ પ્રકારના પુરસ્કારો આપવામાં આવે છે. ODI, ટેસ્ટ અને T20 એમ ત્રણેય ફોર્મેટ માટે ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ સૌથી મોટો એવોર્ડ ICC ક્રિકેટર ઓફ ધ યર માનવામાં આવે છે. ભારતના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ આ એવોર્ડ જીતી ચૂક્યા છે. વર્ષ 2023 માં વિશ્વભરમાં ઘણી ક્રિકેટ મેચો રમાઈ હતી. જે બાદ ICCએ હવે ICC ક્રિકેટર ઓફ ધ યર 2023 માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. આ ચાર ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.
આ ચાર ખેલાડીઓ ICC ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ થયા
વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે બે મોટી ICC ટૂર્નામેન્ટ રમાઈ હતી. જ્યાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ અને ODI વર્લ્ડ કપ રમાઈ હતી. વર્ષ 2023માં ઘણા એવા ખેલાડીઓ હતા જેમણે પોતપોતાના દેશો માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ખેલાડીઓમાં ICCએ 4 શક્તિશાળી ખેલાડીઓના નામ નોમિનેટ કર્યા છે. જેમાં ભારતના બે ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં વિરાટ કોહલી ઉપરાંત ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. આ બે સિવાય ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. જ્યાં ટ્રેવિસ હેડ અને પીટ કમિન્સને પણ ICC દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે.
Two sensational batters 🏏
Star all-rounder 👊
All-conquering bowler and captain 🔥Presenting the shortlist for Sir Garfield Sobers Trophy for ICC Men’s Cricketer of the Year 2023 👇#ICCAwardshttps://t.co/vRuewi0J8G
— ICC (@ICC) January 5, 2024
વિરાટ-જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું
વિરાટ કોહલીએ હંમેશા ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2023માં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જ્યાં કોહલીએ ODI અને ટેસ્ટમાં કુલ 35 મેચ રમી, જ્યાં તેણે 66.06ની શાનદાર એવરેજથી 2048 રન બનાવ્યા. વિરાટ કોહલીએ આ દરમિયાન 8 સદી અને 10 અડધી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં તેનું મજબૂત ફોર્મ ચાલુ રાખ્યું અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. વિરાટ કોહલી ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે કુલ 35 મેચમાં 613 રન બનાવ્યા, આ ઉપરાંત 66 વિકેટ પણ લીધી છે. તે વર્ષ 2023માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
હેડ-કમિન્સ માટે 2023 શાનદાર વર્ષ હતું
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ટ્રેવિસ હેડ અને કેપ્ટન પીટ કમિન્સ માટે વર્ષ 2023 શાનદાર રહ્યું. બંને ખેલાડીઓએ વર્ષ 2023માં રમાયેલા ICCના બંને ખિતાબ જીત્યા હતા. બંને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. ટ્રેવિસ હેડે WTC ફાઈનલ અને વર્લ્ડ કપ ફાઈનલ બંને મેચોમાં શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પીટ કમિન્સની કેપ્ટનશીપમાં આ બંને ટ્રોફી જીતી હતી. આ જ કારણ છે કે ICCએ આ બે ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ કર્યા છે.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR