સુપ્રીમ કોર્ટના જજ માટે હાઈકોર્ટના પાંચ જજોના નામની ભલામણ, જાણો કોણ છે યાદીમાં


ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે પાંચ હાઈકોર્ટના જજોના નામની ભલામણ કરી હતી. જેમાં જસ્ટિસ પંકજ મિથલ (રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ), જસ્ટિસ સંજય કરોલ (પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ), જસ્ટિસ પીવી સંજય કુમાર (મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ) સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે ભલામણ કરાયેલા પાંચ જજોમાં સામેલ છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા (પટના હાઈકોર્ટના જજ) અને જસ્ટિસ મનોજ મિશ્રા (અલાહાબાદ હાઈકોર્ટના જજ)નો સમાવેશ થાય છે.
ન્યાયાધીશોની કુલ સંખ્યા 28 થઈ, હવે છ જગ્યાઓ ખાલી
અગાઉ, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળના છ સભ્યોના કોલેજિયમે મંગળવારે પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. સોમવારે જસ્ટિસ દત્તાના શપથ ગ્રહણ સાથે, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે, જ્યાં હવે છ જગ્યાઓ ખાલી છે.
9 જજ આવતા વર્ષે થશે નિવૃત્ત
સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા છે અને 4 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની નિવૃત્તિ સાથે સંખ્યા ફરીથી ઘટીને 27 થઈ જશે. હાલમાં 28માંથી 9 જજ 2023માં નિવૃત્ત થવાના છે. કોલેજિયમમાં સામાન્ય રીતે મુખ્ય ન્યાયાધીશ અને ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં ફેરફાર થયો છે. તેમાં હવે જસ્ટિસ સંજીવ ખન્નાના ઉમેરા સાથે છ સભ્યો છે.