નામ્બી નારાયણન ISRO જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા
સુપ્રીમ કોર્ટે ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણન સાથે સંલગ્ન કથિત ISRO જાસૂસી કેસમાં ચાર આરોપીઓના આગોતરા જામીન આપવાના કેરળ હાઈકોર્ટનો આદેશને રદ્દ કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ફરી જામીન અરજી પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની અધ્યક્ષતાવાળી બેન્ચે ચુકાદો આપ્યો
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનથી સંલગ્ન કથિત ISRO જાસૂસી કેસમાં ચાર આરોપીઓને આગોતરા જામીન આપવાના કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને જામીન અરજી પર ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટેને કહ્યું કે જામીન અરજી પર ચાર અઠવાડિયામાં ફરી સુનાવણી કરીને ચુકાદો આપવો જોઈએ. આ સાથે એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો કે આ કાયદાકીય રાહત માટે પગલાં લેતી વખતે પાંચ અઠવાડિયા સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે. ચુકાદો અનામત રાખતી વખતે સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે આ મામલો પુનર્વિચાર માટે કેરળ હાઈકોર્ટને પાછો મોકલવામાં આવી શકે છે. સીબીઆઈએ કેરળ હાઈકોર્ટ દ્વારા કેરળના પૂર્વ ડીજીપી સિબી મેથ્યુસ સહિતના આરોપીઓને આપવામાં આવેલા જામીનને પડકાર્યો છે. આ કેસના અન્ય આરોપીઓમાં પીએસ જયપ્રકાશ, થમ્પી એસ દુર્ગા દત્ત, વિજયન અને આરબી શ્રીકુમાર છે.
આ પણ વાંચો : ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં ડાયમંડ અને બિલ્ડર ઉદ્યોગકારોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા
જાણો શું હતો સમગ્ર મામલો
તમિલનાડુના એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણન ISROના ક્રાયોજેનિક વિભાગના વડા હતા.ત્યારે તેઓ એક જાસુસી કાંડમાં ફસાયા હતા. નવેમ્બર 1994 માં નમ્બી નારાયણ પર આરોપ લગાવામાં આવ્યો હતો કે તેમણે ભારતના અંતરિક્ષ કાર્યક્રમની કેટલીક ગુપ્ત માહિતી વિદેશી એજન્ટોને આપી છે. નામ્બી નારાયણેની 1994માં કેરળ પોલીસે ધરપકડ કરી હતી. તેઓ સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન બનાવામાં લાગેલા હતા.
તેમના પર સ્વદેશી ટેક્નોલોજીને વિદેશમાં વેચવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. પછીથી CBIની તપાસમાં આખો મામલો ખોટો નીકળ્યો. 1998મા પોતાને નિર્દોષ સાબિત કર્યા પછી નારાયણે તેમને ફસાવવા વાળા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ લાંબી લડાઇ લડી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે 2018માં તેમણે 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ તેમણે ખોટા જાસુસીના આરોપમાં ફસાવનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પર વિચાર કરવા માટે પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ડીકે જૈનની નિમણૂક કરવામાં આવી હતી.