નાગપુરમાં હિંસા બાદ આટલા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગ્યો, 65 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ થઈ

નાગપુર, 18 માર્ચ 2025: મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારની રાતે ભીષણ હિંસા જોવા મળી છે. નાગપુરના મહલ વિસ્તારમાં પથ્થરમારો, કેટલીય ગાડીઓમાં તોડફોડ અને આજુબાજુના વિસ્તારમાં આગની ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટના બાદથી શહેરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ત્યારે આવા સમયે નાગપુર શહેરમાં કોતવાલી, ગણેશપાઠ, લકડગંજ, પચપાવલી, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઈમામવાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂલ લગાવ્યો છે. નાગપુર પોલીસ આયુક્ત ડો. રવિંદર કુમાર સિંઘલે જણાવ્યું કે, આ કર્ફ્યૂ આગામી આદેશ સુધી લાગૂ રહેશે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર આ હિંસામાં 20થી 22 પોલીસકર્મી ઘાયલ થયા છે. તો વળી 62/65 ઉપદ્રવીઓની ધરપકડ પણ થઈ છે.
પોલીસે શું કહ્યું?
નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એક તસવીર સળગાવી દેવામાં આવી હતી, જેના પછી લોકો એકઠા થયા હતા અને અમે તેમની વિનંતી પર કાર્યવાહી કરી હતી. લોકોનું એક પ્રતિનિધિમંડળ પણ મને મળવા મારી ઑફિસ આવ્યું હતું. અમે FIR નોંધી છે. આ ઘટના રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. જે બાદ 2 વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.”
સીએમ ફડણવીસે શું કહ્યું?
નાગપુરમાં થયેલી હિંસા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “નાગપુરના મહાલ વિસ્તારમાં જે રીતે પરિસ્થિતિ તંગ બની તે ખૂબ જ નિંદનીય છે. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. આ ખોટું છે. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મેં પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કડક પગલાં લેવા જણાવ્યું છે. જો કોઈ તોફાન કરે છે કે પોલીસ પર પથ્થરમારો કરે છે અથવા સમાજમાં તણાવ પેદા કરે છે, તો આવા બધા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હું દરેકને અપીલ કરું છું કે નાગપુરની શાંતિને ખલેલ પહોંચાડવા ન દો. જો કોઈ તણાવ પેદા કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
નાગપુરમાં આવી ઘટના આપણે ક્યારેય જોઈ નથી – બાવનકુલે
મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, “નાગપુરમાં પરિસ્થિતિ સર્જનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ વહીવટીતંત્ર ત્યાં હાજર છે. નાગપુરના લોકો ખૂબ જ સંવેદનશીલ છે. અમે નાગપુરમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી. જે રીતે આ ઘટના બની છે, તેનાથી કેટલાક અસામાજિક તત્વોએ નાગપુરને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો. વહીવટને ટેકો આપો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આપણે બધા ઘટના પર નજર રાખી રહ્યા છીએ. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.”
આ પણ વાંચો: આરબીઆઇના ગવર્નરનું બેન્કોને ગ્રાહકોની ફરિયાદ સંબોધવા AI અપનાવવાનું આહવાન્