ડુંગર વચ્ચે દેવાધિદેવ, જાણો-ક્યાં આવેલું છે આ પ્રાચીન મંદિર ?
કૈલાસમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ તો સર્વત્ર છે. પણ કેટલીક એવી જગ્યાઓ હોય છે જ્યાં સ્વયંભૂ ભગવાન બિરાજમાન હોય છે. કંઈક આવી જ રીતે ડેમની વચ્ચોવચ્ચ આવેલા ડુંગરની ગુફામાં બિરાજમાન છે ભગવાન ભોળાનાથ. જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી આવી રહ્યા છે.
પહેલી જ નજરે મનને ગમી જાય તેવું અને દરેકના મનને પળવારમાં પોતાની તરફ ખેંચી જાય તેવું આ મંદિર આવેલું છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમની વચ્ચે આવેલી ગુફામાં. અહીં શિવલિંગ સ્વરૂપે દેવોના દેવ મહાદેવ બિરાજમાન છે. મહિસાગર જિલ્લામાં એક એવું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં દર્શન કરવા માટે ભક્તોએ કડાણા ડેમની અંદર હોડીમાં 2 કિમી જેટલું અંતર કાપી ગુફામાં જવું પડે છે.
850 વર્ષ જૂનું મંદિર
કડાણા ડેમની તળેટીમાં ભગવાન શિવનું નદીનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર વર્ષો પુરાણું છે. કહેવાય છે કે શિવજીનું આ અલૌકિક મંદિર અંદાજીત 850 વર્ષ જુનું છે. કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતાં પાણીની અંદર ગુફામાં આવેલ મંદિર 20 વર્ષ બાદ ખુલ્લું થયું છે. ગયા વર્ષે 20 વર્ષ બાદ આ મંદિર દર્શન માટે ખુલ્લું થયું છે. આ વર્ષે પણ પાણીનું સ્તર ઘટતા મંદિર ખુલ્યું છે. પરંતુ કડાણા ડેમ બંધાવાથી પાણીમાં ડુબાણમાં ગયું હતું. હાલ જળસપાટી નીચી જતા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થયા છે. ત્યારે ડુંગર વચ્ચે આવેલી ગુફામાં નાવડીઓ લઈને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે.
પ્રાચીન મંદિરની પૌરાણિક કથા
1973 માં કડાણા ડેમના બાંધકામ થતા આ મંદિર પાણીમાં સમાયુ હતું. જોકે, કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપૂનમ, ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં વર્ષો સુધી ડૂબેલું રહે છે. કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ પાણીની સપાટી ફરી નીચી આવતા ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યું છે. વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીની સ્તર નીચું જતાં આ અલૌકિક અને પૌરાણિક પત્થરોની ગુફામાં આવેલ મહાદેવ મંદિર ફરી એકવાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા.