નડિયાદ : પલાણા ગામના તલાટી લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા


- રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા
- એસીબીએ તલાટીની અટકાયત કરી, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
- તલાટી અગાઉ કઠલાલના ગોગડીપુરા પંચાયતમાં ફરજ બજાવતા હતા
નડિયાદના વસોના પલાણા ગામના તલાટીએ વારસાઈ કરાવવા માટે રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા. અગાઉ લાંચ પેટે રૂ. 5 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. એસીબીએ તલાટીની અટકાયત કરી, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 હજાર ફરિયાદી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર કરી મેળવ્યા
પલાણા ગામે આવેલી ફરિયાદીના કૌટુમ્બિક ભાઈઓના નામની જમીનોની વારસાઈ કરાવવા માટે તથા જમીનો પર જે ઘરનું ગેરકાયદેસર બાંધકામ થયું હતું તે ઘરોના નંબરો સહિતની તા.6 ફેબુ્રઆરી, 2025ના રોજ આપેલી અરજી સંદર્ભે જરૂરી પુરાવાના દસ્તાવેજો આપવા માટે પલાણા ગામના તલાટી નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ રૂ.10 હજારની લાંચ માંગી હતી. જેમાંથી રૂ. 5 હજાર ફરિયાદી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર કરી મેળવ્યા હતા. જ્યારે બાકીના રૂ. પાંચ હજાર માટે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે તુલસી ફૂડ કોર્ટ ખાતે તલાટીએ ફોન કરીને આપી જવાનું જણાવ્યું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
લાંચના રૂ. 5 હજાર સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડયા
નડિયાદ એસીબી પીઆઈએ સોમવારે છટકું ગોઠવી તલાટી નરેન્દ્રસિંહને ફરિયાદી સાથે લાંચ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના રૂ. 5 હજાર સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડયા હતા. એસીબીએ તલાટી વિરૂદ્ધ ગુનો નોંધી, અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તલાટી અગાઉ કઠલાલના ગોગડીપુરા પંચાયતમાં ફરજ બજાવતા હતા. જ્યાંથી તાજેતરમાં જ બદલી થતાં પલાણા મુકાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત : દ્વારકાધીશના દર્શને જતી આઠ પદયાત્રી મહિલાઓને ટ્રકચાલકે કચડી, ત્રણના મૃત્યુ