વિશેષસ્પોર્ટસ

ઓલિમ્પિક્સમાં રમવા બાબતે નાદાલ અને મેસ્સી અલગ રીતે વિચારે છે

14 જૂન, અમદાવાદ: ઓલિમ્પિક્સ જે ચાર વર્ષે એક વખત રમાતી હોય છે, તેમાં રમીને પોતાનું  તેમજ પોતાના દેશનું નામ રોશન કરવાની કયા ખેલાડીની ઈચ્છા ન હોય? અને જો એમાં મેડલ મળી જાય પછી ભલેને તે બ્રોન્ઝ મેડલ પણ કેમ ન હોય? એ ખેલાડીનું તેના દેશમાં સન્માન વધી જતું હોય છે. પરંતુ એવું પણ બની શકે છે કે અમુક ખેલાડીઓની પ્રાયોરીટી અલગ હોય છે અને તે ઓલિમ્પિક્સ રમવા નથી માગતો. નાદાલ અને મેસ્સી મામલે પણ આવું જ કશું બન્યું છે. આમાંથી એક ખેલાડી ઓલિમ્પિક્સ રમવા માટે એક ટુર્નામેન્ટ રમવાનું છોડી દેવાનો છે તો બીજો એક ટુર્નામેન્ટ માટે ઓલિમ્પિક્સ છોડવા માટે તૈયાર થઇ ગયો છે.

સહુથી પહેલા વાત કરીએ રફેલ નાદાલની. તો નાદાલને ક્લે કોર્ટનો રાજા કહેવામાં આવે છે. પરંતુ સમયની સાથે અને ઉંમર વધવાની સાથે નાદાલની ક્લે કોર્ટ પરની પકડ ઢીલી પડતી ગઈ છે અને આ વર્ષની ફ્રેંચ ઓપનમાં તો તે પહેલા રાઉન્ડમાં જ હારી ગયો હતો. પરંતુ નાદાલ માટે સારા સમાચાર એ છે એ Paris Olympics 2024ની ટેનીસની તમામ મેચો જ્યાં દર વર્ષે ફ્રેંચ ઓપન રમાય છે ત્યાં એટલેકે રોલેન્ડ ગેરોસ પર જ રમાવાની છે અને ફ્રેંચ ઓપન પર નાદાલનો ઐતિહાસિક કબજો રહેલો છે.

પોતાના દેશ સ્પેન માટે નાદાલ તમામ મેચો પોતાના ફેવરીટ ક્લે કોર્ટ પર રમવાનો હોવાથી તેણે આ વર્ષે વિમ્બલ્ડન ન રમવાનો નિર્ણય લીધો છે. નાદાલનું માનવું છે કે વિમ્બલ્ડન જે ગ્રાસ કોર્ટ પર રમાય છે તેના પર રમીને તે કદાચ ક્લે કોર્ટ માટે પૂરતી તૈયારી નહીં કરી શકે, આથી તે વિમ્બલ્ડન ન રમતા ઓલિમ્પિક્સ માટે ક્લે કોર્ટ પર પ્રેક્ટીસ કરશે. રફેલ નાદાલ સ્પેન માટે ટેનિસમાં તેના જ દેશનાં કાર્લોસ આલ્કારેઝ સાથે જોડી બનાવીને રમશે.

તો બીજી તરફ ફૂટબોલના મહાનતમ ખેલાડીઓમાં સામેલ લાયોનલ મેસ્સીએ ઓલિમ્પિક્સ ન રમવાનો નિર્ણય લીધો છે. મેસ્સી આજથી શરુ થતા કોપા અમેરિકામાં રમવાનો છે અને તેનું માનવું છે કે કોપા અમેરિકા રમવાને કારણે તેના પર કામનો બોજો વધુ થઇ જશે અને તેને કારણે તે ઓલિમ્પિક્સમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ નહીં કરે. કોપા અમેરિકા એ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે રમાતી અત્યંત પ્રતિષ્ઠિત ફૂટબોલ ટુર્નામેન્ટ છે.

આમ આ વર્ષની ઓલિમ્પિક્સ રમવા બાબતે નાદાલ અને મેસ્સી અલગ અલગ  નિર્ણયો સામે આવ્યા છે જે એક બીજાથી તદ્દન વિરુદ્ધ છે. હવે જોઈએ કે નાદાલ સાથેની ટેનિસની ટીમ અને મેસ્સી વગરની આર્જેન્ટિનાની ટીમ આવનારી પેરીસ ઓલિમ્પિક્સમાં કેવો દેખાવ કરે છે.

Back to top button