G20 સમિટ દરમિયાન હોટલ તાજમાંથી મળી ચાઈનીઝ બેગ, 12 કલાક ચાલ્યો ડ્રામા
G20 સમિટ દરમિયાન દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં ચીનના પ્રતિનિધિમંડળની પાસે એક રહસ્યમય બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનનું પ્રતિનિધિમંડળ એક બેગ લઈને આવ્યું હતું અને જ્યારે પોલીસે બેગની તપાસ કરવાનું કહ્યું ત્યારે પ્રતિનિધિમંડળે તે કરવાનો ઈન્કાર કર્યો હતો.
લાંબા સમય સુધી પોલીસ ચીનના પ્રતિનિધિમંડળને સમજવાની કોશિશ કરતી રહી પરંતુ તેઓ રાજી ન થયા અને ત્યારપછી બેગને ચીની એમ્બેસીને મોકલી દેવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પછી આવેલા દરેક ચીની પ્રતિનિધિમંડળે તેમની તમામ બેગની તપાસ કરી, પરંતુ તે બેગમાં શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
શું છે સમગ્ર મામલો?
રાજદ્વારી સામાનને લઈને માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, પરંતુ હોટેલ તાજ પેલેસ પહોંચેલા ચીનના પ્રતિનિધિમંડળમાં એક વ્યક્તિની પાસે એક અસામાન્ય બેગ મળી આવી હતી. ત્યારબાદ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ બેગને અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી હોટલના કર્મચારીઓએ અધિકારીઓને જાણ કરી કે બેગમાં કંઈક શંકાસ્પદ છે. જ્યારે આ બેગને સ્કેન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ચીનીઓએ તેમ કરવાની ના પાડી દીધી. એ પછી વાતાવરણ તંગ બની ગયું હતું અને 12 કલાક સુધી ડ્રામા ચાલુ રહ્યો હતો. રહસ્યમય બેગને ચીની દૂતાવાસમાં મોકલવામાં આવતા મામલો શાંત પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે G20 સમિટ ગત રવિવારે સમાપ્ત થઈ હતી. આ પછી મીડિયામાં આ સમાચાર આવ્યા છે. તેવી જ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના કાફલાની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. તે કાફલામાંના એક વાહનનો ડ્રાઈવર તેના ખાનગી મુસાફરને લેવા માટે બીજી હોટલ પહોંચ્યો હતો. બાદમાં સુરક્ષા દળોએ તેને પકડી લીધો હતો