ટ્રેન્ડિંગનેશનલ

મુઝફ્ફરનગરઃ ખાણી-પીણી બાદ હવે ટાયર પંચરની દુકાનો પર પણ લગાવવામાં આવી નેમ પ્લેટ

  • કાવડ યાત્રાના દરેક રુટ પરની ખાણી-પીણીની દુકાનો તેમજ લારીઓ પર માલિકોની નેમ પ્લેટ લાગી
  • ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખાણી-પીણીની દુકાનો ઉપરાંત પંચરની દુકાનોમાં પણ લાગી નેમ પ્લેટ

મુઝફ્ફરનગર, 21 જુલાઈ: યોગી સરકારના આદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોએ પોતાની દુકાનો અને લારીઓ પર નેમ પ્લેટ લગાવવી ફરજિયાત બની ગઈ છે. અન્ય જગ્યાઓએ પણ આ જ પ્રકારના આદેશો જારી કરવામાં આવ્યા છે. હવે મુઝફ્ફરનગરમાં નેમ પ્લેટ ખાણી-પીણીની દુકાનો કે લારીઓ સીવાય ટાયર પંચર દુકાનના માલિકોને પણ નેમ પ્લેટ લગાવવાની ફરજ પાડવામાં આવી રહી છે.

ટાયર પંચરની દુકાનો પર પણ લગાવવામાં આવી નેમ પ્લેટ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દુકાનો, લારીઓ અને ઢાબાઓ બાદ હવે પોલીસ ટાયર પંકચરની દુકાનો પર પણ દુકાન માલિકના નામવાળા પોસ્ટર લગાવી રહી છે. આ અંગે જ્યારે ટાયર પંચરની દુકાનના માલિક સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, ‘ખાણી-પીણીની દુકાનો બાદ અમારી પંચરની દુકાનો પર પણ પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે દરેકે તેમના નામ અને મોબાઈલ નંબર સાથે દુકાનની આગળ નેમ પ્લેટ લગાવવી પડશે. તેથી અમે દુકાનની આગળ આ નેમ પ્લેટ લગાવી છે.’

કાવડ યાત્રાના રુટ પરની સલૂનો પર પણ નેમ પ્લેટ લગાવવા સૂચન

ટાયર પંચરની દુકાનના માલિક સલીમે કહ્યું કે તે લગભગ 25-26 વર્ષથી સાયકલના ટાયર બનાવે છે. તેણે કહ્યું, ‘એક પોલીસવાળો આવ્યો હતો અને તેણે દરેકને દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે. ટાયર પંચરની દુકાનની સાથે સાથે આ રુટ પરની સલૂનની દુકાનો પર પણ નેમ પ્લેટ લગાવવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.

યોગી સરકારે કર્યો હતો આદેશ જારી

હાલમાં જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ માર્ગ પરના દુકાનદારો માટે આદેશ જારી કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેમના નામ લખવા જોઈએ જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પરની ખાદ્યપદાર્થોની દુકાનો પર ‘નેમ પ્લેટ’ લગાવવી પડશે અને દુકાનો પર માલિક, ઓપરેટરનું નામ અને ઓળખ લખવી પડશે. સીએમઓના જણાવ્યા અનુસાર કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ કરવામાં આવ્યો આદેશ જારી

આવો જ આદેશ હરિદ્વારમાં પણ કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો માટે જારી કરવામાં આવ્યો છે. ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શનિવારે દુકાન માલિકોને તેમની દુકાનોની બહાર તેમના નામ અને મોબાઈલ નંબરવાળી પ્લેટ લગાવવા સૂચના આપી છે. મેયરે કહ્યું, ‘આ ઓર્ડરનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેનો હેતુ મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી.

આ પણ વાંચો: કેદારનાથ રોડ પર ભૂસ્ખલન, પગપાળા જઈ રહેલા 3 ભક્તોનાં મૃત્યુ, અનેક ઘાયલ

Back to top button