મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવે ભારતના કર્યા વખાણ, કહ્યું મે આવો દેશ બીજે ક્યાંય નથી જોયો
HD ન્યુઝ ડેસ્કઃ મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL) ના મહાસચિવ ડો. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા ભારતના પ્રવાસે છે. તેમણે બુધવારે (12 જુલાઈ) દિલ્હીમાં વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હું તમારા બધાની રાજકીય એકતાથી ખૂબ પ્રભાવિત છું. જ્યારે આપણી વચ્ચે વાતચીતનો અભાવ હોય છે, ત્યારે ગેરસમજ ઊભી થાય છે. એટલા માટે જરૂરી છે કે આપણે સમગ્ર વિશ્વમાં સંવાદનું વાતાવરણ બનાવીએ.
ભારતના કર્યા વખાણઃ તેમણે કહ્યું કે વાતચીત માત્ર લિપ સર્વિસ ન હોવી જોઈએ. કોઈપણ સંવાદનો ફાયદો ત્યારે જ છે જ્યારે તે સાચો હોય. અલ-ઇસાએ કહ્યું કે ભારતના ડહાપણથી ઘણું શીખી શકાય છે. આખી દુનિયામાં જો કોઈ પાસેથી શીખી શકાય તો તે ભારત છે. દુનિયામાં ઘણી બધી બાબતોમાં એકબીજા સાથે તકરાર થાય છે અને જુદા જુદા મંતવ્યો હોય છે, તેમ છતાં આપણે બધા સાથે રહીએ છીએ. આપણી શ્રદ્ધા છે, આપણા મૂળ સમાન છે, આપણો પાયો પણ એક જ છે.
ભારતના બંધારણને હૃદયપૂર્વક વંદનઃ ભારતના વખાણ કરતા તેમણે કહ્યું કે જ્યારે મેં ભારતમાં અલગ-અલગ ધર્મગુરુઓ સાથે વાત કરી અને હિન્દુ ધર્મગુરુઓ સાથે વાત કરી ત્યારે અહીંના લોકો પરસ્પર ભાઈચારો અને સાથે રહેવાનો આગ્રહ રાખતા હતા. આવું ઉદાહરણ મેં દુનિયામાં ક્યાંય જોયું નથી. આપણે ધાર્મિક સંઘર્ષો સામે ઊભા રહેવું જોઈએ જેથી કરીને કટ્ટરવાદ ફરી ઉભરી ન આવે. હું ભારતીય લોકશાહી અને ભારતના બંધારણને હૃદયપૂર્વક વંદન કરું છું. હું એ વિચારને સલામ કરું છું જેણે સમગ્ર વિશ્વને શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો છે.