ગુજરાત સરકારની કંઈ જાહેરાતને મુસ્લિમ નેતાએ ગણાવી ‘રેવડી’
રાજ્યમાં ચૂંટણીની સીઝન પૂરબહારમાં આવી ગઈ છે. એક બાદ એક નેતાઓના પ્રવાસો શરૂ થઈ ગયા છે. દરેક નેતા નવા નવા વાયદાઓ આપી રહ્યા છે. જેમાં આપ નેતા અરવિંદ કેજરીવાલના વાયદાઓને રેવડીનું નવું નામ આપવામાં આવ્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગઈકાલે દિવાળીના તહેવારને અનુલક્ષીને ટ્રાફિકના નિયમો હળવા કરતો પ્રજાલક્ષી નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઈ સરકારની વાહ વાહ થઈ રહી છે પરંતુ આ બધા વચ્ચે આજે ગુજરાત આવેલા અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણયને રેવડી ગણાવી છે.
શું કહ્યું ઓવૈસીએ ? કેવી રીતે નિર્ણયને રેવડી ગણાવ્યો
સરકાર દ્વારા તહેવારોની સિઝન દરમિયાન વાહન ચાલકો પાસેથી દંડ નહી વસુલવામાં આવે તેવી જાહેરાત કરી હતી. જો કે સરકારના આ નિર્ણયથી જનતા ખુશ છે પરંતુ નિષ્ણાંતો આ નિર્ણયની ખુબ જ ટિકા કરી રહ્યા છે. આ ઉપરાંત આ રાજકીય મુદ્દો પણ બની ચુક્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, 2021 દરમિયાન જ ગુજરાતમાં 15,200 અકસ્માત થયા હતા. જેના કારણે 7457 લોકોનાં મોત નિપજ્યાં હતા. તેમ છતા પણ ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જે અકસ્માતની રેવડી આપવામાં આવી છે તેનાથી કેટલાક લોકોને આર્થિક ફાયદો થશે પરંતુ લોકોનાં જીવ જોખમમાં મુકી રહ્યા છે. ભાજપ સરકાર લોકોનાં જીવન સાથે ચેડા કરી રહ્યા છે.