કોલકાતામાં ઈદ નિમિત્તે ખુટી પૂજાનું આયોજન, મુસ્લિમ યુવતી બની માઁ દુર્ગા
29 જૂન, ગુરુવારે દેશભરમાં ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ બકરી ઈદનો આ તહેવાર તમામ રાજ્યોમાં મનાવ્યો, પરંતુ આ અવસર પર પશ્ચિમ બંગાળના કોલકાતાથી એવી તસવીરો સામે આવી, જેણે દરેકના દિલ જીતી લીધા. ઈદ નિમિત્તે અહીં ખુટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 વર્ષની મુસ્લિમ બાળકીએ મા દુર્ગાનો વેશ ધારણ કર્યો હતો. સામુદાયિક દુર્ગા પૂજાના આયોજકો દ્વારા દર વર્ષે આ પૂજાનું આયોજન કરવામાં આવે છે, આ વખતે આ આયોજન બકરી ઈદ નિમિત્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દર વર્ષે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો આ પૂજાનું આયોજન કરે છે
આપને જણાવી દઈએ કે, પંડાલ પર કામ શરૂ કરતા પહેલા દુર્ગા પૂજાની શરુઆત ખુટી પૂજાની તૈયારીઓ સાથે શરૂ કરવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, દુર્ગા પૂજાના આયોજકોએ કહ્યું કે રામનવમી દરમિયાન થયેલી હિંસાએ તેમને ઈદના અવસર પર આ પૂજાનું આયોજન કરવા વિશે આ રીતે વિચારવા માટે મજબૂર કરી દીધા હતા. આ ખુટી પૂજા માટે એક શુભ દિવસ પસંદ કરવામાં આવે છે, તેથી જ બકરી ઈદના દિવસે આ પૂજાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિભાજન ઘટાડવા માટે અને લોકોને કોમી એકતાનો સંદેશ આપવા માટે મુસ્લિમ યુવતીની પસંદગી કરવામાં આવી અને તેને મા દુર્ગાનું રૂપ આપીને સદ્ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મુસ્લિમ યુવતીએ માઁ દુર્ગાનું સ્વરુપ લીધું
ખુટી પૂજા માટે તૈયાર થયેલી મુસ્લિમ યુવતીને મા દુર્ગાનું રૂપ આપ્યા બાદ સૌએ તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે મળીને આ પૂજા પૂર્ણ કરી. આ દરમિયાન ઈદની ઉજવણી કરી રહેલા મુસ્લિમ સમાજના લોકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ખુટી પૂજામાં સામેલ 6 વર્ષની બાળકીનું નામ રિમ્શા છે, જે નજીકમાં જ રહેતા નદીમ અલીની પુત્રી છે.
મુસ્લિમ પરિવારે પણ ખુશી વ્યક્ત કરી
આ રીતે પોતાની દીકરીને પૂજામાં સામેલ કરીને મુસ્લિમ પરિવાર પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો. દરજીનું કામ કરતા નદીમે જણાવ્યું કે જ્યારે તેમને સમિતિ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ ખુશ થયા હતા, આ સિવાય તેમની પત્ની પણ ખૂબ જ ગદગદ થઈ હતી. બકરી ઈદના તહેવારની ઉજવણી કર્યા બાદ નદીમનો આખો પરિવાર અને તેના મિત્રોએ ખુટી પૂજામાં હાજરી આપી હતી. પૂજારીઓએ પણ આવી પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે આ માનવતાનું સુંદર સ્વરૂપ છે.