- લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈ લોકો ચોંકી ઉઠ્યા
- હત્યા પાછળનું કારણ હાલ અકબંધ
- ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ
ગાઝીપુર, 08 જુલાઈ : ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલવા કુસામ્હી કાલા ગામમાં ગઈકાલે રવિવારે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પતિ, પત્ની અને પુત્રની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ એસપી ઓમવીર સિંહની આગેવાનીમાં એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી, પરંતુ હજુ સુધી હત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યા હતા
ખિલવા ગામમાં રહેતા મુનશી બિંદ (45) અને પત્ની દેવંતી (40) ઘરની બહાર ઝૂંપડામાં અલગ-અલગ ખાટલા પર સૂતા હતા. જ્યારે મોટો પુત્ર રામશીશ (20) ઘરમાં સૂતો હતો. નાનો પુત્ર આશિષ ગામમાં આવેલ ઓરકેસ્ટ્રા જોવા ગયો હતો. રાત્રે 2 વાગે આશિષ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેના માતા-પિતા બહાર લોહીથી લથપથ હાલતમાં મૃત હાલતમાં પડેલા હતા. આ પછી જ્યારે તે અવાજ કરીને ઘરમાં સૂતેલા તેના મોટા ભાઈને જગાડવા ગયો ત્યારે તેણે તેને પણ મૃત જોયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
પરિવારજનો અને ગ્રામજનોની પૂછપરછ શરૂ કરાઈ
બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોહીથી લથપથ મૃતદેહો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી. એસપી ઓમવીર સિંહ ત્યાં પહોંચ્યા અને પરિવારજનો અને ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી હતી. એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાની ઘટનાથી સમગ્ર ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છે. લોકો ભયના કારણે ઘરની બહાર નીકળતા પણ ખચકાય છે. બીજી તરફ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ નીકળતા જ હિંસા ફાટી નીકળી, મોટી સંખ્યામાં એન્ટી રાઈટ પોલીસ તૈનાત