અનૈતિક સંબંધમાં હત્યા, યુવતીના ઘરમાં ઘૂસેલા યુવકની પાંચ શખ્સોએ ઘાતકી હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
જામનગરઃ કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતી એક યુવતીના ઘરમાં ગયેલા યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક લાલપુર તાલુકાના મોડપર ગામના રહીશ હતો. મળતી માહિતી મુજબ યુવક જ્યારે યુવતીને મળવા તેના ઘરમાં ઘૂસ્યો ત્યારે જ યુવતીના પરિવારના લોકોએ સાથે મળીને યુવકની ઘાતકી કરી હતી. આ સંદર્ભે પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતો ભરતભાઈ રામાભાઈ ગાગીયા નામનો 30 વર્ષનો શખ્સ તારીખ 25-26 સપ્ટેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગયો હતો. ત્યાં યુવતી સાથે તેને ઘરમાં રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને પરિવારે તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
યુવકની ઘાતકી રીતે હત્યા કરાઈ
યુવતીના રૂમમાંથી ભરતભાઈ ગાગીયા મળી આવતા યુવતીના પરિવારજનો એવા વિરા માલદે ભાદરકા, ખીમા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરગ અરજણ ભાદરકા અને દિનેશ હરદાસ ભાદરકા નામના પાંચ શખ્સોએ યુવતીના ઘરે આવેલા ભરતભાઈ પર લાકડી, લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારોથી તૂટી પડ્યા હતા.
આ ઘાતકી હુમલામાં આરોપી શખ્સોએ ભરતભાઈના શરીરના જુદા જુદા ભાગોમાં ઘાતકી રીતે વાર કરતાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેને સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવના બીજા દિવસે જ યુવાનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મૃતક તથા આરોપી પરિવારજનો દૂરના સગા થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના ભાઈ નારણભાઈ રામાભાઈ ગાગીયા (ઉ.વ. 30, રહે. મોડપર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે માનવ હત્યાની કલમ 302 સાથે રાયોટીંગની કલમ 143, 147, 148, 149, તથા 325, 323, 506(2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનની હત્યાનો બનાવ બનતા અહીંના ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ જરૂરી કાર્યવાહી કરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા કાનપર શેરડી વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.