હત્યાના આરોપીની કોર્ટ પરિસરની નજીક 30 સેકન્ડમાં છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા
સુરતમાં કાયદાની પરિસ્થિતી લથડી રહી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અઠવાલાઇન્સ ખાતે ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખ્સ હત્યા કરી નાસી છૂટ્યા હતા. યુવક પર આડેધડ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નિપજાવતાં બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.
સુરતમાં હત્યાના આરોપીની સરાજાહેર હત્યા
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અઠવાલાઇન્સ ખાતે ધોળા દેવસે એક યુવકને કોર્ટની બહાર જ કેટલાક શખ્સો દ્વારા 15થી વધારે તિક્ષણ હથિયારના ઘા મારીને તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. કોર્ટ સામે બનેલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જાહેરમાં બે યુવક છરી વડે હત્યાના આરોપી પર તૂટી પડે છે અને માત્ર 30 સેકન્ડમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે. આ ઘટના અંગે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
જાણો સમગ્ર ઘટના
મળતી માહીતી મુજબ કોર્ટ પરિસર સામે હત્યા થયેલ આ યુવકનું નામ સૂરજ ઈંદ્રજિત યાદવ છે. જે વર્ષ 2022માં સચિન જીઆઈડીસીમાં હત્યાના ગુનાના કેસ બાબતે કોર્ટમાં હાજર થયો હતો. અગાઉ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનેલી ઘટનામાં નોધાયેલા ગુનામાં દુર્ગેશ વિનોદ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં મનિષ નરેશ ઝા, સૂરજ ઈંદ્રજિત યાદવ, સંદીપ ઉર્ફે ગડ્ડી દયાશંકર રાય આ ત્રણ આરોપીઓના નામ આવ્યા હતા. જે પૈકી સૂરજ ઈંદ્રજિત યાદવ હત્યા કેસમાં કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પરંતુ હત્યારાઓએ કોર્ટમાં પહોંચે તે પહેલા જ ચપ્પુના ઘા ઝીંકીને આ યુવકનું ઢીમ ઢાળી દીધું.
પોલીસે તજવીજ શરુ કરી
સૂરજ ઈંદ્રજિત યાદવની હત્યા કરનાર આ બંને યુવક કોણ છે ? અને શા માટે તેની હત્યા કરી ? આ તમામ વિગતો જાણવા અને બન્ને શખસને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. તેમજ કોર્ટ પરિસરની બહાર આવેલ સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. આમ પોલીસે હત્યા કરનાર બંનેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચો : પાવાગઢમાં દુર્ઘટનાને લઈને તપાસ શરુ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી કરાશે તપાસ