અમદાવાદઃ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો મર્ડરનાં આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર ગાંધીને આંબાવાડી ખાતેથી ધરપકડ કરાઈ
અમદાવાદ 20 જુલાઈ 2024 : પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ ચકચારી મર્ડરના ગુન્હાના કાચા કામના આરોપી-મોન્ટુ ઉર્ફે નામદાર ગાંધી અગાઉ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ હ્યુમન રિસોર્સના આધારે પોલીસને મળેલી બાતમી અનુસાર તેના સબંધી મીલીન ગાંધીના આંબાવાડી અમદાવાદ ખાતે આવેલા મકાન ઉપર તેને મળવા આવતા ગ્રામ્ય એલસીબી એ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ ખાતેથી અમદાવાદ કોર્ટ લઈ જતા સમયે થયો ફરાર
અમદાવાદ જિલ્લા એસપી કચેરી ખાતે ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચંદ્ર ગાંધીની સીટી સીવીલ સેસન્સ કોર્ટ, અમદાવાદ ખાતે કોર્ટ મુદત દરમિયાન નડીયાદ પોલીસ દ્રારા આરોપીને બિલોદરા જેલ, નડીયાદ ખાતેથી કોર્ટ મુદતે લઇ જવામાં આવ્યો હતો અને કોર્ટ મુદત પુર્ણ થતા પોલીસ જાપ્તાને પોતાને ડાયબીટીસની બિમારી હોવાનું જણાવી નજીકમાંજ ગામડી ગામ ખાતે પોતાનુ ફાર્મ હાઉસ છે ત્યાં તેની દવા પડી છે, તે લેવા માટેનું બહાનું કરી પોલીસ જાપ્તાને પોતાના ફાર્મ ઉપર લઇ ગયોજે બાદ ત્યાંથી પોલીસની નજર ચુકવીને જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો.
તેના સંબંધીને ત્યાં મળવા આવતા આરોપી પકડાયો
જીલ્લા એસપીનાં જણાવ્યા મુજબ આ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાદ પોલીસની ટીમો દ્રારા અલગ-અલગ દિશાઓમાંથી આરોપીને પકડવા માટે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં તથા ઉત્તરપ્રદેશ, રાજસ્થાન ખાતે સંભવીત જગ્યાઓએ વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે આરોપી મોન્ટુ નામદાર તેના સબંધી મીલીન ગાંધીના આંબાવાડી અમદાવાદ ખાતે આવેલ મકાન ઉપર તેને મળવા આવતા મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચંદ્ર ગાંધીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદઃ ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે કહી 1,75,84,000 ખંખેર્યા