લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાતા મુંબઈગરા ચાલતાં ઑફિસ તરફ નીકળી ગયા… જૂઓ વીડિયો


- મુંબઈના ઉપનગરીય નેટવર્કની મુખ્ય લાઇન પર રિલે વાયર પર વાંસ પડતાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આ ઘટના સાયન અને માટુંગા સ્ટેશન વચ્ચે બની હતી. ટ્રેન સેવા ખોરવાઈ જવાના કારણે લોકોને ચાલીને ઑફિસ જવું પડ્યું
મુંબઈ, 24 જુલાઈ: મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે બુધવારની સવાર મુશ્કેલી ભરેલી રહી હતી. મુંબઈના ઉપનગરીય નેટવર્કની મુખ્ય લાઇન પર સાયન અને માટુંગા સ્ટેશનો વચ્ચે વાયર પર વાંસ પડતાં ટ્રેનની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આના કારણે એક કલાક સુધી ફાસ્ટ લોકલ સેવાને અસર થઈ હતી. અધવચ્ચે જ ટ્રેનો અટવાઈ જવાને કારણે હજારો મુસાફરો પાટા પરથી તેમના ગંતવ્ય સ્થાન તરફ ચાલવા લાગ્યા હતા. રેલવે ટ્રેક પર મુસાફરોના આવવાના કારણે લાંબા સમય સુધી અરાજકતાનો માહોલ રહ્યો હતો. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
રેલવે વાયર પર વાંસ પડતાં મુખ્ય લાઇન પર ફાસ્ટ લોકલ ટ્રેન સેવા ખોરવાઈ: સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
એક કલાક સુધી મેઈન લાઈનમાં લોકલ સેવા બંધ રહી હતી જ્યારે મુંબઈ લોકલની સેવા ખોરવાઈ ગઈ હતી, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સાયન અને માટુંગા સ્ટેશન વચ્ચે ક્યાંક બાંધકામ ચાલી રહ્યું છે. સવારે 7:25 વાગ્યે, એક બિલ્ડિંગ પર સ્થાપિત વાંસનું માળખું યુપી ફાસ્ટ લાઇન પર પડ્યું. આ ઘટનાને કારણે મુખ્ય લાઇન પર ફાસ્ટ લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી, કારણ કે ઓવરહેડ વાયર પર પડેલા વાંસને દૂર કરવા માટે વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. આ લાઇન પરની સેવાઓ સવારે 8:20 વાગ્યે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ ટેકનિકલ ખામીના કારણે કેટલાક મુસાફરોને ટ્રેકની બાજુએ ચાલવું પડ્યું હતું.
લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે, જેના પર દરરોજ 70 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. મધ્ય રેલવે ચાર કોરિડોર પર લગભગ 1,810 ઉપનગરીય સેવાઓનું સંચાલન કરે છે.
આ પણ વાંચો: બજેટમાં રેલવે વિભાગને નિરાશા, કોઈ મોટી જાહેરાત ન થઈ