એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણી કરીને કુણાલ કામરા બરાબરના ફસાયા, માનહાનિ સહિત આ ધારાઓમાં FIR નોંધાઈ


મુંબઈ, 24 માર્ચ 2025: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એક વાર વિવાદોમાં ફસાયો છે. કામરા પર મુંબઈમાં એક કાર્યક્રમ દરમ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદે પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈ પોલીસે સોમવારે કુણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે કહ્યું કે, મુંબઈના એમઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, સોમવારે કામરા વિરુદ્ધ 353 (1) (બી) અને 356 (2) માનહાનિ સહિત બીએનએસની વિવિધ ધારાઓ અંતર્ગત FIR નોંધવામાં આવી છે.
શું છે આખો વિવાદ?
હકીકતમાં જોઈએ તો, કુણાલ કામરાએ મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કુણાલ કામરાએ દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરતો કામરાનો વીડિયો વાયરલ થયા બાદ ઘણો વિવાદ થયો હતો. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ 2 મિનિટના આ વીડિયોમાં કામરાએ NCP અને શિવસેનાની મજાક ઉડાવી છે.
હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ
એકનાથ શિંદે પરની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ સ્ટુડિયો (જ્યાં વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો) માં તોડફોડ કરી હોવાના અહેવાલ છે. પોલીસે શિવસેનાના લગભગ 40 કાર્યકરો સામે કેસ નોંધ્યો છે.
માહિતી અનુસાર, રવિવારે રાત્રે, મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો હોટેલ યુનિકોન્ટિનેન્ટલ (જ્યાં ક્લબ આવેલી છે) ની બહાર આવ્યા અને ક્લબ અને હોટલ પરિસરમાં તોડફોડ કરી. હેબિટેટ ક્લબ એ જ જગ્યા છે, જ્યાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોનું શૂટિંગ પણ થયું હતું.
આ પણ વાંચો: IPLમાં શૂન્ય પર આઉટ થવામાં રોહિત શર્માએ શરમજનક રેકોર્ડ બનાવ્યો, આ 16 બોલર્સે બનાવ્યો શિકાર